ગટરના ઢાંકણા ખોલી પાણી નિકાલનો દેખાડો જરૂર થયો પણ ઉકેલ નથી આવ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વાપીમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.48 યુપીએલ ચાર રસ્તાના સર્વિસ રોડ ચોમાસાથી પાણીનું તળાવ રચાઈ ગયું છે. હવે વરસાદ નથી પણ તળાવ યથાવત છે અને ગંદા તળાવમાં ફેરવાઈ ચૂક્યું છે.
વાપી યુપીએલ ચાર રસ્તા હાઈવે સર્વિસ રોડ ધમધમતો રોડ છે. અહીંથી પસાર થતા વાહનો સીધા જીઆઈડીસીને જોડે છે જે મુખ્ય રોડ હોવાથી અહીંથી પસાર થતા વાહનો ગંદા પાણીના તળાવથી ખરડાઈ રહ્યા છે. અહીંથી 24 કલાક અધિકારીઓનો કાફલો આજ ગંદા પાણી પાસેથી પસાર થાય છે. છતાં સમસ્યાને નજર અંદાજ કરાઈ રહી છે. વધુ હોહાપો થતા હાઈવે ઓથોરિટીની એજન્સીએ પાણી નિકાલ માટે ઢાંકણા ખોલવાનો દેખાડો કર્યો પરંતુ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો એ ચોક્કસ છે. વી.આઈ.એ. સહિત વાપીના વિકાસની વાતો અને ગુણગાન ગાવામાં આવી રહ્યા છે પરંતુ છેલ્લા ચાર મહિનાથી પાણીના આ તળાવની સમસ્યાનો હજુસુધી અંત આવેલ નથી.