(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.22: પારડીના બગવાડા ટોલનાકા પાસે આવેલ ક્રિપા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં કામ કરતા પિતા-પુત્રમાંથી પિતાનું મોત નીપજ્યું હતું.
પારડી તાલુકાના તીઘરા ગામે બગવાડા ટોલનાકા પાસે આવેલ ક્રિપા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા ધ્રુમીન રતિરામ ગૌતમ અને તેના પિતારતિરામ મૈંકુલાલ ગૌતમ રહે. પારડી બગવાડા રાકેશભાઈની ચાલ મૂળ યુપી રાબેતા મુજબ કંપનીમાં નોકરીએ ગયા હતા. જે દરમિયાન સવારે 10 વાગ્યાના સોમવારે રતિરામ ગૌતમ વાર્નિશ ટાંકીમાં ગેસ વેલ્ડીંગનું કામ કરી રહ્યા હતા. ત્યારે ટાંકીમાં બ્લાસ્ટ થતાં રતિરામને હાથ-માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રતિરામ ગૌતમ ઉંમર 56 નું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે પુત્ર ધ્રુમીન ગૌતમે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ત્યારે કંપની દ્વારા કર્મચારીઓને સેફટી સાધન આપે છે કે નહીં તેના સામે પ્રશ્નાર્થ ઉઠ્યા હતા.