કિનારો પ્લાસ્ટીક પૂજાના સામાનના ખડકલાથી લદાઈ રહ્યો છે :
વહીવટી તંત્ર આ તરફ નજર નાખશે?

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વાપીના ઔદ્યોગિક વિકાસની જીવાદોરી સમાન દમણગંગા નદી આજે ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહી છે. નદી કિનારે પ્લાસ્ટીક પૂજાની સામગ્રી અને અન્ય કચરાથી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યો છે. ગણેશ મહોત્સવ દરમિયાન તંત્ર દ્વારા વેસ્ટમાંથી બેસ્ટનું અભિયાનના તાગડધિન્ના કરવામાં આવ્યા. પણ આજે તંત્ર ફરી દમણગંગા નદી તરફ નજર નાખવાનું ચૂકી રહ્યું છે.
દમણગંગા નદીને લોકો માતા માને છે. પરંતુ રાજકપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મેલી જેવા બેહાલ દમણગંગા નદીના પ્રદૂષણથી થઈ રહ્યા છે. બ્રિજ પરથી ફેંકાતો પૂજાપાનો સામાન, મંદિરનો કચરો, પૂજાના ફુલનો કચરો, પ્લાસ્ટીક થેલીએ જ્યાં ત્યાં એકઠી થયેલી પડી છે. કેટલાક પર્યાવરણ નિષ્ણાંતો પ્લાસ્ટીક થેલીઓને લોખંડની રેલીંગ સાથે બાંધીને જાણે પર્યાવરનું રક્ષણ કરતા હોય તેવો સિનારીયા બની ચૂક્યો છે જે દમણગંગા નદીનો કિનારો પ્રદૂષિત થવાની સાથે ઉકરડો બની ગયો છે. જેથી આવા કચરા થકી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. સરકારી તંત્રની નબળી કામગીરી પ્લસ કડક કાયદાના અભાવે લોકો મનમાની કરી રહ્યા છે. આના ઉકેલ માટે શાળા, કોલેજોમાં જાગૃતિ અભિયાન પણ ચલાવાની જરૂર છે. સ્વયં સેવકો દ્વારા નિયમિત સફાઈ કાર્યક્રમો યોજાવા જોઈએ તેમજ સરકારે સ્વચ્છતા માટે નાણા પણ ફાળવવા જોઈએ.

