વાપી ટાઉનથી જીઆઈડીસી જે.ટાઈપ વિસ્તારમાં આવવા જવા માટે ઉપયોગી રેલવે નાળુ વારંવાર જવાબ દઈ દે છે
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.16: છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની ધનાધન બેટીંગ વાપી શહેર અને વલસાડ જિલ્લામાં સતત ચાલુ જ રહેવાથી વાપી શહેરના તમામ નિચાણવાળા વિસ્તારો પાણીથી લબોલબ તરતા થયા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા અતિ વરસાદને લઈ વાપી પૂર્વ પશ્ચિમને જોડતા હાર્ટલાઈન જેવા રેલવેનું નવુ અને જુનુ ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતા પૂર્વ-પશ્ચિમની અવરજવર જબરજસ્થ પ્રભાવિત થવા પામી છે.
વાપી પશ્ચિમથી પૂર્વમાં આવવા જવાની સુલભતા રહે તે હેતુથી પાલિકાએ લાખોના ખર્ચે રેલવેનું નવુ પહોળુ બે માર્ગીય રેલ નાળુ બનાવ્યું છે. પ્લાન નકશો બધુ બરાબર છે પણ જ્યારે જ્યારે વધુ વરસાદ પડે ત્યારે નાળુ તુરંત જ જવાબ આપી દે છે. પુરેપુરુ પાણીમાં ગરકાવ થઈ જાય છે. બે દિવસથી પડી રહેલા સતત વરસાદને લીધે આજે શુક્રવારે સવારથી જ નાળામાં પાણી ભરાઈ જતા અવરજવર બંધ થઈ ગઈ હતી. જે-ટાઈપ અને જી.આઈ.ડી.સી.માં આવવા જવા માટે રેલવેનું નવું ગરનાળું અતિ ઉપયોગી અને મહત્ત્વનું છે પણ વરસાદ સામે માનવી લાચાર બની જાય છે.