ઉમેશભાઈ પટેલે એક શિક્ષકના ઈન્ટરવ્યુમાં નોકરી લગાવવા કડૈયા ડોરીની એક ગરીબ આદિવાસી હળપતિ દિકરી પાસે રૂા.12 લાખ લીધા બાદ પણ તેને નોકરી નહીં લગાવી અને રૂા.12 લાખ પાછા માંગ્યા ત્યારે 12 પૈસા પણ નહીં આપ્યા અને આદિવાસી દિકરીનો પિતા પણ પૈસાની હાય હાયમાં છેવટે ગુજરી ગયો હોવાનો શંકરભાઈ પટેલે કરેલો પર્દાફાશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણ અને દીવના ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપર લગાતાર યેનકેન આરોપો લગાવી લોકોને ગુમરાહ કરવાની કોશિષ કરી રહેલા સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને કડૈયા ગ્રામ પંચાયતના બાહોશ સરપંચ શ્રી શંકરભાઈ પટેલે કડક જવાબ આપ્યો છે અને સાંસદ તરીકેના પાંચ મહિનામાં એક પણ કામ કરવા નિષ્ફળ ગયેલા શ્રી ઉમેશભાઈ પટેલ પાસે સાંસદ પદનું રાજીનામું પણ માંગ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લાની કડૈયા ગ્રામ પંચાયતના બાહોશ સરપંચ શ્રી શંકરભાઈ પટેલે આજે પત્રકારો સાથે વાતચીત કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન આપેલા વચનો પુરા કરવા સરેઆમ નિષ્ફળ થઈ રહેલા સાંસદશ્રીએ હવે દમણ-દીવના સરપંચો,જિલ્લા પંચાયત તથા નગરપાલિકાના સભ્યો ઉપર દોષ લગાવવાનું શરૂ કર્યું છે. જે સદંતર ખોટું છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એક પણ વખત કોઈપણ સરપંચ કે જિલ્લા પંચાયતના સભ્ય વિરૂદ્ધ હરફ નહીં ઉચ્ચાર્યો હતો અને હવે પોતાના વચનો પુરા નહીં થતાં સરપંચો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યો પાપના ભાગીદાર બની રહ્યા હોવાનું લાગી રહ્યું છે.
સરપંચ શ્રી શંકરભાઈ પટેલે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ચૂંટણી દરમિયાન આપેલા વાયદાને યાદ કરાવતા જણાવ્યું હતું કે, ત્યારે તો એમણે કહ્યું હતું કે, હું સાંસદ તરીકે ચુંટાયાના 12 દિવસની અંદર પ્રશાસક, આઈ.એ.એસ., આઈ.પી.એસ. તથા દાનિક્સ અધિકારીઓને બિસ્તરાં-પોટલા બાંધીને દિલ્હી સુધી મોકલી આપીશ.
શ્રી શંકરભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ તમામ ઢાબાઓ શરૂ કરવા, દેવકા અને જમ્પોરમાં ઝૂંપડાંઓ તથા લારી-ગલ્લા ચાલુ કરવા વચનો આપ્યા હતા. જે પૈકી એક પણ કામ અત્યાર સુધી નહીં થતાં હવે તે તમામનો દોષ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર નાખવાની નાકામ કોશિષ કરી રહ્યા છે.
કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીકના બિલ ઝીરો કરવાની વાત પણ શ્રી ઉમેશભાઈ પટેલે કરી હતી અને ટોરેન્ટને ભગાવવાનોપણ વાયદો કર્યો હતો. હવે તેમની પાસે અદ્યતન ગાડીઓ આવી ગઈ છે તેથી જેમનો વિરોધ કરતો હતો તેમની સામે તેઓ બોલી નહીં રહ્યા હોવાનું ધ્યાનમાં લેવા પણ જનતાને અનુરોધ કર્યો હતો.
કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલની કહેવાતી પ્રમાણિકતા સામે પ્રશ્નો ઉઠાવતાં જણાવ્યું હતું કે, મોટી દમણની એક જિલ્લા પંચાયતની બેઠકના સભ્યની ચૂંટણી સમયે બિનહરીફ કરવા માટે કેટલા પૈસા લીધા હતા? અને એક શિક્ષકના ઈન્ટરવ્યુમાં નોકરી લગાવવા કડૈયા ડોરીની એક ગરીબ આદિવાસી હળપતિ દિકરી પાસે રૂા.12 લાખ લીધા બાદ પણ તેને નોકરી નહીં લગાવી શક્યો અને રૂા.12 લાખ પાછા માંગ્યા ત્યારે 12 પૈસા પણ નહીં આપ્યા અને આદિવાસી દિકરીનો પિતા પણ પૈસાની હાય હાયમાં છેવટે ગુજરી ગયો હોવાની ખુબ જ દિલસ્પર્શી વાત શ્રી શંકરભાઈ પટેલે જણાવી હતી. આવા તો અનેક કારનામા હોવાનું પણ સરપંચશ્રીએ જણાવ્યું હતું.