સાંસદ બન્યા બાદ એક પણ ઘરનું ડિમોલીશન નહીં કરવા દેવાનો વાયદો કરનાર સાંસદ ઉમેશભાઈ પટેલ દમણમાં બેસી વિડીયો સંદેશ જારી કરતા દીવના લોકોમાં ફેલાયો આક્રોશ
દીવ સહિત પ્રદેશના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સાંસદ ઉમેશભાઈ પટેલના ઉપ રાષ્ટ્રપતિ અને પ્રશાસકશ્રીના પ્રગટ કરેલા આભાર મુદ્દે વિડીયો સંદેશમાં કરેલી ટીકા સામે વ્યક્ત કરેલી નારાજગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે પોતાના એક વિડીયો સંદેશમાં ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડના આમંત્રણ ઉપર દિલ્હી જઈ પરત આવ્યા બાદ સરપંચો અને જિલ્લા તથા નગરપાલિકાના સભ્યો દ્વારા સારી સુવિધા પુરી પાડવા બદલ ઉપ રાષ્ટ્રપતિ અને સંઘપ્રદેશ પ્રશાસનના માનેલા આભારને ચમચાગીરી ગણાવી આકરી ટીકા કરી છે અને ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓના વજૂદ સામે પ્રશ્નો ઉભા કર્યા છે. જેની સામે દમણ અને દીવના ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મોટાભાગના સભ્યોએ આકરો આક્રોશ પ્રગટ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એક સૂરમાં જણાવ્યું છે કે, પોતાની નિષ્ફળતાને છૂપાવવા હવે નવા નવા જુઠ્ઠાણા ફેલાવી ફરી એક વખત લોકોને ગુમરાહ કરવાની કોશિષ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, દીવના કેવડી ખાતે થઈ રહેલા ડિમોલીશનનો સાંસદ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલે શા માટે વિરોધ નહીં કર્યો? દીવના લોકોએ ઇતિહાસમાં પહેલી વખત ખોબે ખોબા ભરીને શ્રી ઉમેશભાઈ પટેલને મત આપીઐતિહાસિક સરસાઈ અપાવી હતી. હવે તેમના દુઃખના દિવસોમાં સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ દમણમાં બેસીને વિડીયો સંદેશ આપી રહ્યા છે અને ડિમોલીશન અટકાવવાની જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, જે બેશરમીની હદ હોવાનું પણ જણાવ્યું છે. કારણ કે ચૂંટણી દરમિયાન શ્રી ઉમેશભાઈ પટેલે તેઓ સાંસદ બન્યા બાદ એક પણ ઘરનું ડિમોલીશન નહીં થાય તેવું વચન આપ્યું હતું. જેના ઉપર વિશ્વાસ રાખી લોકોએ મત આપ્યા હતા. આજે દીવના લોકો છેતરાયા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ જણાવે છે કે, લોકસભામાં તેમણે અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ લોકોને કોઈ પરિણામ નહીં મળતાં આવી રજૂઆતોનું શું કરવું? એવો પ્રશ્ન પણ લોકોમાં પૂછાઈ રહ્યો છે.
દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલના વિડીયો સંદેશથી દીવના બહુમતિ લોકોનો વિશ્વાસ પણ હવે તેમના ઉપરથી ઉઠી રહ્યો હોવાની લાગણી પ્રદેશના ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ સમક્ષ પણ પ્રગટ કરી હતી.