ચલામાં કાર માલિક હેર કટીંગ કરાવવા ગયો ત્યારે ગઠીયો ખેલ કરી ગયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વાપીમાં શનિવારે નવા બની રહેલ પુલ પાસે પાર્ક કરેલ એક કાર અચાનક સળગી હતી જ્યારે અન્ય એક બીજા બનાવમાં ચલામાં પાર્ક કરેલ કારના કાચ તોડી કોઈ ગઠીયો ચોર કારમાં બેગમાં રાખેલા રૂા.1.50 લાખ ચોરી ગયો હતો.
વાપીમાં દમણ રોડ ઉપર નિર્માણાધિન નવા પુલના બિંબ પાસે સુરત પાસિંગની એક કાર પાર્ક કરી હતી. જી.એસ.ટી. ઓફીસ સામે પાર્ક કરેલ આ કારમાં અછાનક ભિષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. ફાયર ટીમે કારની આગ બુઝાવી હતી. અન્ય એક બનાવમાં ચલામાં કાર પાર્ક કરીને ચાલક નજીકની હેર કટીંગ સલુનમાં ગયો હતો ત્યારે કારનં.જીજે 15 સીપી 2223 ના કાચ તોડી કોઈ ચોર ગઠીયો કારમાં બેગમાં રાખેલા રૂા.1.50 લાખની રોકડાની ચોરી ગયો હતો. ચલાના સાગાકાસા બિલ્ડિંગની સામે પાર્ક કરેલ કારમાંથી ચોરી થતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ઘટનાની ફરિયાદ નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે.