શિક્ષિકા હિના દેસાઈ વિદ્યાર્થીનીઓ સાથે ઘણાં સમયથી અશોભનીય અને ગેરવર્તન કરતી હોવાની રાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના દાદરા ખાતને ગુજરાતી માધ્યમ સરકારી હાઈસ્કૂલ શાળાની 60 જેટલી વિદ્યાર્થીનીઓ શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ લઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે એમની શાળાની શિક્ષિકા હિના દેસાઈએ ક્લાસની તમામ વિદ્યાર્થીનીઓને સ્કેલ(ફૂટપટ્ટી) વડે માર માર્યો હતો. વિદ્યાર્થીનીઓએ કારણ પુછયું તો તેઓને નાપાસ થયા છો, એમ જણાવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ કહ્યું કે અમારા પેપર તપાસાયા જ નહીં તો નપાસ કેવી રીતે કરી શકો? એ બાબતે શિક્ષિકાએ કહ્યું કે હું તમારૂં મોઢું જોઈને જ કહી દઉં છું કે તમે નાપાસ છો. આ તો હજી ટ્રેલર છે આગળ વધુ પીટાઈ થશે.
વિદ્યાર્થીનીઓએ શિક્ષિકાની કરતૂતો બાબતે જણાવ્યું છે કે તેઓ વર્ગખંડમાં મોબાઈલ પર વાતો કરતા રહે છે અને ગંદી ગંદી ગાળો આપે છે. કોપી ચેક નથી કરતા, વિષય સબંધિત સવાલ પુછવા પર તોળમટોળ કરે છે અને ટોણો મારે છે કે તમે બધી સરકારી હોસ્ટેલમાં મફતમાં ખાઈ ખાઈને જાડી થઈ રહી છે. વિદ્યાર્થીનીઓના જણાવ્યા પ્રમાણે આ બાબતે અગાઉ પ્રિન્સિપાલને પણ ઘણી વખત ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ શિક્ષિકા હિના દેસાઈના વ્યવહારમાં કોઈ જ બદલાવ આવ્યો નથી. જેથી અમારે મજબુરીમાં કલેક્ટરશ્રીની કચેરીએ આવવાની ફરજ પડી છે. દરમિયાન વિદ્યાર્થીનીઓ સાથે એમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ જવાબદાર શિક્ષિકા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી.
હવે જોવાનું એ રહ્યું કે, વિદ્યાર્થીનીઓ સાથે એલફેલ વર્તન કરનાર શિક્ષિકા સામે કેવા પગલાં ભરવામાં આવે છે…?