(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલીના તલાવચોરા નજીકના બારોલીયા મંદિર ફળિયા ગામની 42 વર્ષીય પરણિત મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
બનાનવી પ્રાપ્ત માહિતી અનુસાર વિદેશમાં પતિએ કમાણી કરી પત્નીને મોકલેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ બાબતે પતિએ પત્નીને પૂછતા માઠું લાગી આવતા મહિલાએ સ્યુસાઇડ નોટ લખી ખેતરમાં કચરૂ મારવાની દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે પત્નીએ લખેલ સ્યુસાઇડ નોટમાં ફળીયામાં રહેતા યુવકને રૂા.11 લાખ આપ્યા હોય તે બાબતે અવાર નવાર માંગણી કરતા આપતો ન હોય અને છ મહિનાથી વિદેશ જતો રહ્યો હોવાનું નોટમાં જણાવાયું હતું.
તલાવચોરા બારોલીયા મંદિર ફળીયા ખાતે રહેતા ફરિયાદી નાનુભાઈ છનાભાઈ પટેલ (ઉ.વ. 55) 27 વર્ષથી ઓમાન મસ્તકમાં નોકરી કરી રહ્યા હોય તે દરમ્યાન સોનાના દાગીના તેમજ રોકડ રકમ પત્ની ચંદનબેનને આપેલ હોય જે બાબતે ગત 24મી ઓક્ટોબરના રોજ તેમણે પૂછતા મનદુઃખ લાગી આવતા 25મી ઓક્ટોબરની બપોરના સમયે ખેતરમાં તેણીએ કચરૂ મારવાની દવા પી લેતા પ્રથમ ડુંગરી વૈદ હોસ્પિટલમાં બાદ વલસાડનીહોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં રવિવારની વહેલી સવારના સમયે ફરજ પરના તબીબે ચંદનબેન નાનુભાઈ પટેલ (ઉ.વ.42)ને મૃત જાહેર કરી હતી. જોકે પતિએ વિદેશમાં કમાઈ ને મોકલેલ નાણાંમાંથી ગામના જ એક યુવાનને ચંદનબેને રૂા. 11 લાખ આપ્યા હોય જે રૂપિયા પરત ન આપી યુવક પ્રીત ઉર્ફે લાલુ સુભાષભાઈ પાછલા છ મહિનાથી ન્યુઝીલેન્ડ વિદેશ જતો રહેતા પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થતા જેના કારણે પત્ની એ ઝેર દવા પી લીધી હોવાનું પત્નીના કપડામાંથી નિકળેલ સ્યુસાઈડ નોટમાંથી જાણવા મળ્યું હતું. ઉપરોક્ત બનાવ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.