કાળી ચૌદશની રાત્રિના 9:30 વાગ્યાના સુમારે વીજ મીટરમાં શોર્ટ સર્કીટ થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી જે આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: સેલવાસના બાવીસા ફળિયા ત્રણ રસ્તા નજીક એક મકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક યુવતી તાત્કાલિક ઘરની બહાર નીકળી નહીં શકતા દાઝી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અભય પટેલ રહેવાસી બાવિસા ફળિયા, જેઓના ઘરમાં રાત્રિના 9:30 વાગ્યાના સુમારે અચાનક વીજ મીટરમાં શોર્ટ સર્કીટ થયો હતો અને અચાનક આગ પકડી લીધી હતી. જે આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. જે સમયે આગ લાગી હતી તે સમયે એમની બહેન ઘરની અંદર જ હતી જે બહાર નીકળી નહીં શકતા આગની ચપેટમાં આવી ગઈ હતી.
આ ઘટના અંગે દાનહ ફાયર વિભાગ અને પોલીસને ટેલીફોનિક જાણ કરતા તેઓની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી અને ફાયરના લાશ્કરોએ આગને ઓલવવાનો ભારે જહેમત ઉઠાવી હતી. તેમણે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, અને એમની બહેનને પણ લાશ્કરોએ રેસ્ક્યુ કરી ઘરમાંથી બહાર કાઢી તાત્કાલિક 108એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સેલવાસસિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આગના કારણે ઘરમાં ભારે નુકસાન થયું છે. ઘરમાલિક અભયે જણાવ્યું હતું કે, જો ફાયર બ્રિગેડની ગાડી સમય પર ન આવી હોત તો આખું ઘર બળીને ખાખ થઈ ગયું હોત. જ્યારે દાઝી ગયેલી તેમની બહેન હાલમાં આઇ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં એક યુવતિ સિવાય અન્ય કોઈને પણ ઈજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.