(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પર ગત 12મી જૂન, 2024ના રોજ મોટું ગાબડું પડયું હતું. તે દિવસથી આજ દિન સુધી આ બ્રિજ પરથી કોમર્શિયલ વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેથી ભારે વાહનોની અવર-જવર માટે ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો હતો. આ સમસ્યાના ઝડપી નિરાકરણ માટે સામરવરણી અને મસાટ ટેમ્પો એસોસિએશનના સભ્યો દ્વારા 14મી ઓક્ટોબરના રોજ દાનહ જિલ્લા કલેક્ટરશ્રીને બ્રિજ ઉપરથી કોમર્શિયલ લાઈટ/મીડીયમ માલસામાનવાળા વાહનોને પસાર થવા દેવા માટે આવેદન પત્ર પણ આપવામાં આવ્યુંહતું. તે સમયે કલેક્ટરશ્રીએ પણ બાહેંધરી આપી હતી કે પુલનું મરામ્મતનું કામ થોડા દિવસોમાં પૂર્ણ થવાની તૈયારી છે, અને એ પૂર્ણ થતાંની સાથે આ બ્રિજ ઉપરથી કોમર્શિયલ વાહનોને પસાર થવાની પરમિશન આપવામાં આવશે. આ બ્રિજ ઉપરથી કોમર્શિયલ વાહનોને પસાર નહીં થવા દેવાને કારણે ઔદ્યોગિક એકમોમાં આવતા હેવી વાહનોને તલાસરી થઈને લાંબો ચકરાવો લેવો પડતો હતો જેના કારણે ઇંધણ અને સમયનો પણ ઘણો બગાડ થતો હતો. ત્યારે હવે રોજીંદા વાહનચાલકો સહિતના હેવી માલસામાનવાળા વાહનચાલકોનો લાંબો સમય બર્બાદ કર્યા બાદ આ બ્રિજ ચાલુ કરાતા કંપનીઓમાં આવતા કોમર્શિયલ વાહનોને પણ ઘણી રાહત મળશે.
સેલવાસના નિવાસી નાયબ કલેક્ટરશ્રી દ્વારા આજે 30મી ઓક્ટોબરના રોજ એક જાહેરનામુ બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે, રખોલી હાઈ લેવલ બ્રિજનું મરામ્મતનું કામ સંપૂર્ણ રીતે થઈ ગયું છે, જેથી તાત્કાલિક અસરથી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોને અવર જવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
દાનહ ટેમ્પો એસોસિએશનના સભ્ય શ્રી જયેશભાઈ દોડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનાથી આ બ્રિજ પરથી અમારા કોમર્શિયલ વાહનો પસાર નહીં થવા દેવાના કારણે અમારા વેપાર-ધંધા ઉપર ખુબ જ માઠી અસર થઈ છે. આજથી આ બ્રિજ પરથીકોમર્શિયલ વાહનોને પસાર થવાની માટે મંજૂરી મળતાં હવે અમારા ટેમ્પો એસોસિએશનના સભ્યોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે.