(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલીના મજીગામમાં ગ્રુપ ઉભું કરી ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે રૂ.2.94 કરોડ રૂપિયાનું રોકાણ કરાવી પરત ન કરી વિશ્વાસઘાત કરનાર સમર ગ્રુપના પાંચ જેટલા કારભારીઓ તથા કર્મચારીઓ સામે પોલીસે ગુનો નોંધી ત્રણ જેટલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નવેમ્બર-22માં મજીગામમાં આરોપીઓ સાગર દિલીપ રાઠોડ, વિશાલ દિલીપ રાઠોડ, ચૌતાલી સાગર રાઠોડ (ત્રણેય રહે.કસ્બા ફળીયા તા.ચીખલી જી.નવસારી) તથા મીરલ મહેશભાઈ પટેલ (રહે.મજીગામ ઉતારા ફળીયા તા.ચીખલી), અનિલ બાબુભાઈ રાઠોડ (રહે.દશેરા ટેકરી બાલાપીર દરગાહ સાંઇ મંદિર પાસે તા.જી.નવસારી) નાઓએ ગુનાહિત કાવતરું રચી સમર ગ્રુપ નામનું ગ્રુપ ઉભું કરી ફરિયાદી જયંતિભાઈ વલ્લભાઈ સોલંકી (રહે.પ્રમુખ રેસિડેન્સી સાદકપોર તા.ચીખલી જી.નવસારી) તથા અન્ય 145 થી વધુ રોકાણકારોને ઊંચા વળતરની અને નવી ટુ બ્રધર્સ મુતુલનિધિ લિમિટેડ નામની મોટી કંપની ખોલવાની છે. તેવી લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્કીમ બનાવી એજન્ટો મારફતે રૂ.2,94,11,800/- નું રોકાણ કરાવી રકમ પરત આપી ન હતી. ઉપરોક્ત રોકાણની રકમ સામે પાકતી મુદતે રૂ.5,02,36,205/- પાકતા હોવાનું જણાવાયું હતું.
મજીગામમાં સમરગ્રુપના નામે ચીખલીથી લઈ ઉમરગામ-ગોરેગામ તથા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સુધીના લોકોને ડીજીટલ વોલેટ, ગોલ્ડ સ્કીમ, એફડી સ્કીમ, બાઇક સ્કીમ સહિત વિવિધ સ્કીમો બનાવી સમર ગ્રુપ કંપનીમાં રોકાણ કરવાની પાકતી મુદતે દસ મહિનાના તથા બાર મહિનાના એફડી પ્લાનમાં અનુક્રમે 75-ટકા અને 95-ટકા વ્યાજ આપશે તેવી લોભામણી જાહેરાતો આપી લોકો પાસે રોકાણ કરાવી આશરે 12-કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની અગાઉ ઘણા સમય પૂર્વે ભોગ બનનારાઓ દ્વારા લેખિત રજૂઆત કરાઈ હતી.
લેખિત રજૂઆતની તપાસ બાદ ફરિયાદી સહિતના રોકાણકારો પાસે રૂ.2,94,11,800/- જેટલી માતબર રકમનું રોકાણ સમર ગ્રુપમાં કરાવી કોઈપણ પ્રકારની વ્યાજ, બોનસ, નફો, શેર સહિતની રકમ તથા રોકેલા નાણાં પાકતી મુદતે પરત ન આપ્યા હોવાનું બહાર આવતા પોલીસે સમરગ્રુપના ડિરેક્ટરો ઉપરાંત કર્મચારી સામે વિશ્વાસઘાત-છેતરપિંડી અને ગુજરાતપ્રોટકેશન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સની કલમની જોગવાઈ મુજબનો ગુનો નોંધી અનિલ બાબુભાઈ રાઠોડ (રહે.દશેરા ટેકરી બાલાપીર દરગાહ સાંઇ મંદિર પાસે તા.જી.નવસારી), મીરલ મહેશ પટેલ (રહે.મજીગામ ઉતારા ફળીયા તા.ચીખલી) તથા ચેતાલી સાગર રાઠોડ (રહે.કસ્બા ફળીયા ચીખલી તા.ચીખલી જી.નવસારી) એમ ત્રણ જેટલાની ધરપકડ કરી વધુ તપાસ ચીખલી પીઆઇ- કે.એચ.ચૌધરી કરી રહ્યા છે. જોકે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂગર્ભમાં ઉતરી જતા હજુ સુધી પોલીસને હાથે લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું.
