માનહાનીનો ચાલશે કેસઃ નીચલી કોર્ટને 6 મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા આદેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.18 : દમણ જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં લગભગ 4 વર્ષથી ચાલી રહેલા એક ગુનાહિત માનહાનિના કેસની રિવિઝન એપ્લીકેશન પર સુનાવણી કરતા વિદ્વાન જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ દમણમાં કાર્યરત પૂર્વ સી.ઓ.પી. આર.પી.મીણાના કેસને નામંજૂર કર્યો છે. સાથે વિદ્વાન ન્યાયાધીશે નીચલી કોર્ટમાં માનહાનિનો કેસ ક્રમાંક 39/2014નો 6 મહિનામાં સુનાવણી પૂર્ણ કરીને કેસનો નિકાલ કરવાનો આદેશ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સવેરા ઈન્ડિયા ટાઈમ્સ સમાચાર પત્રએ 29 મે, 2009, 10 જૂન 2009 અને 19 જૂન 2009ના રોજ અલગ અલગ સમાચાર પ્રકાશિત કરીને દમણ પોલીસ વિભાગની ભરતી પ્રક્રિયામાં થયેલ કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે તપાસ બાદ સાચો સાબિત થયો હતો અને નકલી ડિગ્રી વાળા લોકોને નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. પરંતુ તેનાથી ગિન્નાયેલા દમણના તત્કાલિન સી.ઓ.પી. આર.પી.મીણા (પહેલાં દાનિક્સ અને પ્રમોટેડ આઈ.પી.એસ.)એ સવેરા ઈન્ડિયા ટાઈમ્સના તંત્રી સતીશ શર્માની વિરૂદ્ધમાં બદલાની ભાવનાથી પોતાના પદનો દુરૂપયોગ કરતા દમણ કોર્ટમાં સી.આર.પી.સી.ની કમલ 499 અને 500 મુજબ એક ક્રિમિનલ કેસ ક્રમાંક 116/2010 નોંધાવીને 5 કરોડની માનહાનિનો દાવો કર્યો હતો. જેને બાદમાંદમણ કોર્ટે 30 એપ્રિલ, 2011ના રોજ નામંજૂર કર્યો હતો.
આર.પી.મીણાએ દમણ કોર્ટમાં દાખલ આ ખોટા કેસથી સવેરા ઈન્ડિયા ટાઈમ્સના તંત્રી સતીશ શર્માની છબી ખરાબ કરવા અને તેમની વિશ્વસનિયતાને નાબૂદ કરવાનું દુસ્સાહસ કરનારા દમણના તત્કાલિન સી.ઓ.પી. આર.પી.મીણાની વિરૂદ્ધ દમણ કોર્ટમાં એક માનહાનિનો દાવો કરીને ન્યાયની માંગણી કરી હતી, જે બાબતે દમણ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા સુનાવણી પહેલાં સી.આર.પી.સી.ની કલમ 202 અંતર્ગત તપાસ માટે દમણ પોલીસને મોકલી, પરંતુ શ્રી મીણાએ પોલીસની તપાસ કાર્યવાહીમાં પણ સાથ નહીં આપતાં દમણ પોલીસે રિપોર્ટ નામદાર કોર્ટને મોકલી આપ્યો. ત્યારબાદ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટશ્રીએ કેસની તપાસ માટે આરોપી આર.પી.મીણાને સમન જારી કરીને કોર્ટમાં હાજર થવા જણાવ્યું. પરંતુ પોલીસ અધિકારીએ આ કેસને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો અને આર.પી.મીણાએ દમણ જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં એક રિવિઝન એપ્લીકેશન રજૂ કરીને આ કેસની નામંજૂર કરવાની માંગ કરતા તર્ક આપ્યો હતો કે, તેમના સરકારી અધિકારી હોવાના નાતે તે સમયે તેઓ સરકારી ફરજ બજાવી રહ્યા હતા અને તે દરમિયાન જે કંઈ થયું તે સરકારી ફરજનો એક ભાગ હતો. એટલે તેમના ઉપર કોઈપણ પ્રકારનો કેસ ચાલે તે પહેલાંસી.આર.પી.સી.ની કલમ 197 મુજબ ઉચ્ચ અધિકારીઓ પાસેથી મંજુરી લેવી ફરજીયાત હતી જે આ કેસમાં લીધેલ નથી. આ કારણે આ કેસને પૂર્ણ રીતે નામંજૂર કરી દેવામાં આવશે.
દમણ જિલ્લા અને સત્ર ન્યાયાલયના વિદ્વાન ન્યાયાધીશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ પુરી સુનાવણી કરતા આર.પી.મીણાની રિવિઝન અરજીને કાઢી નાંખતા તેમના દાવાને નામંજૂર કરી દીધો અને સતીશ શર્મા દ્વારા નોંધાવેલ કેસ નંબર 39/2014ને દમણ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પાસે મોકલીને 6 મહિનાની અંદર આ કેસની અંતિમ સુનાવણી કરીને ચુકાદો આપવાનો આદેશ કર્યો છે. શ્રી સતીશ શર્મા તરફથી વકિલ શ્રી ગોવર્ધન પુરોહિત અને શ્રી જેસલ રાઠોડે જોરદાર દલીલ કરી હતી.