નાણામંત્રી અને ઈરિગેશન વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ પ્રોજેક્ટની સમિક્ષા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વાપીમાં વિકાસમાં વધુ એકસોપાન સાકાર થવા જઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈના પ્રયત્નો થકી દમણગંગા નદી કિનારે અંદાજીત રૂા.105 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ અને એક વિયર ડેમ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે નાણામંત્રી અને ઈરિગેશન વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ પ્રોજેક્ટની સમિક્ષા હાથ ધરી હતી.
નાણા પ્રધાન કનુભાઈ દેસાઈના પોતાના વર્તમાન કાળમાં અનેક વિકાસ પ્રોજેક્ટ આગળ ધપાવી રહ્યા છે. વાપીને વધુ વિકાસને પંથે લઈ જઈ રહ્યા છે. આ શ્રૃંખલામાં એક નવી યોજના એટલે દમણગંગા નદી કિનારે રિવરફ્રન્ટની અને દરિયામાં વહી જતા પાણીને ઉપયોગમાં લઈને વિયર ડેમ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ માટે ઈરિગેશન વિભાગના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ અગત્યની બેઠક યોજી હતી. પ્રોજેક્ટ અંગે સઘન વિચાર વિમર્શ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાપી વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, મિલન દેસાઈ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રીએ અધિકારીઓને જરૂરી સુચનો આપ્યા હતા. ઈરિગેશન ડિપાર્ટમેન્ટની અધિકારી આર.એમ. પટેલ, બી.એસ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયે દમણગંગા નદી કિનારે રિવરફ્રન્ટ બાદ પિકનિક સ્થળ તરીકે વિકસિત થશે.