ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, મહિલા ઈબ્રાહિમ માર્કેટમાં સોનુ ખરીદવા ગઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વાપી મેઈન બજારમાં ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો હતો. આજે બુદવારે એક મહિલા ઈબ્રાહિમ માર્કેટ સ્થિત એક જ્વેલર્સની દુકાને સોનાની ખરીદી કરવા ગઈ હતી. ખરીદી કરી મહિલા અન્ય માર્કેટમાં જઈ રહી હતી ત્યારે પાછળ પીછો કરી રહેલી ત્રણ થી ચાર મહિલાઓ સોનાના દાગીના ભરેલુ મહિલાનું પર્સ ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. અન્ય માર્કેટમાં મહિલા પહોંચી ત્યારે પર્સ ચોરી થયાનું માલુમ પડતા મહિલા હેબતાઈ ગઈ હતી.
આજકાલ દિવાળીનો તહેવાર ચાલતો હોવાથી બજારમાં ભીડભાડ અને ઘરાકી પ્રમાણમાં વધુ જોવા મળી રહી છે. આવી ભીડમાં ચોરીનો બનાવ વાપી મેઈન બજારમાં બન્યો હતો. ઈબ્રાહીમ માર્કેટમાં આવેલ જ્વેલર્સની દુકાનથી એક મહિલાએ બે થી ત્રણ તોલાના સોનાના દાગીના ખરીદ્યા હતા. ત્યારબાદ પર્સમાં દાગીના રાખી મહિલા બીજી ખરીદી કરવા પ્રેમ માર્કેટમાં ગઈ હતી તે દરમિયાન ત્રણ-ચાર મહિલા આ મહિલાનો પીછો કરીને ચાલાકીથી સોનાના દાગીના રાખેલુ પર્સ આબાદ રીતે ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. પ્રેમ માકે4ટમાં પહોંચી ત્યારે મહિલાને ખબર પડી કે પર્સ ચોરી થઈ ગયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.અત્યારે તહેવારોમાં માત્ર પોલીસ પર ભરોસો રાખ્યા સિવાય સ્વયં સતર્ક રહેવું પડે તેવો સમય આવી ચૂક્યો છે.