(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: દિવાળીના પવિત્ર પર્વ પર વલસાડ જિલ્લાના રાબડા ગામમાં, લીલાછમ પ્રાકળતિક સૌંદર્ય અને પાર નદીના કિનારે સ્થિત માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. છેલ્લા કેટલાંય દિવસોથી દર્શનાર્થીઓની ભીડ છતાં, ધામના પાઠશાળા(મંદિર), ગૌશાળા, વિશાળ પરિસર, પાર્કિંગ એમ સર્વત્ર સ્થળે સ્વચ્છતા અને શિસ્તબધ્ધ વ્યવસ્થાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. નાના-મોટા એમ સૌને અહીંના મનોહર વાતાવરણમાં આનંદની અનુભૂતિ થાય છે અને તેમના હૃદય પુલકિત બની જાય છે. આ તીર્થધામમાં દર્શનાર્થીઓને મનની ખરા અર્થની શાંતિ અને સ્વર્ગ સમાન અનુભૂતિ મળે છે. મોક્ષપામવાની ઇચ્છા ધરાવતા માનવીઓ માટે આ ધામ એક દીવાદાંડી સમાન છે.
સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વશાંતિ સ્થાપિત થાય તેવા શુભાશયથી વર્ષ 2016 માં આ અલૌકિક ધામનું નિર્માણ માત્રને માત્ર 90 દિવસમાં જ થયેલુ છે. આ ધામના સ્થાપક શ્રી મહાપાત્ર, માઁ વિશ્વંભરીનો દિવ્ય સંદેશ ‘‘અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો” સમસ્ત માનવી સુધી પહોંચે અને દરેક પોતાના ઘરને એક પવિત્ર મંદિર બનાવે એ માટે અથાગ પુરુષાર્થ કરી રહ્યા છે. જેના કારણે આજે માત્ર ગુજરાત કે ભારતવર્ષ જ નહી પણ વિશ્વભરમાં અસંખ્ય ઘરમંદિર બન્યાં છે, જેમાં લોકો પોતાના ઘરમાં જ શક્તિ આરાધના કરતાં થયાં છે તેમજ આ ઘરોમાં યદા યદા હી ધર્મસ્ય… નો નાદ ગુંજતો થયો છે. શ્રી મહાપાત્રના આદર્શ અને સાદગીભર્યા જીવનમાંથી પ્રેરણા લઈને અસંખ્ય લોકો સત્યનિષ્ઠ અને ફરજનિષ્ઠ બની પોતાનું કર્તવ્યકર્મ નૈતિકતા અને પ્રમાણિકતાથી કરતા થયાં છે અને તે બધાંના જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. આ રીતે, આદર્શ કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા ફરી પ્રસ્થાપિત થવા લાગી છે.