100 જેટલા સફાઈ કામદારોની 9 જેટલા ટ્રેક્ટર ટેમ્પોની ફોજ ઉતરેલી,ગ્લોઝ પહેરી સફાઈની વિડીયોગ્રાફી કરી ઔપચારિકતા પુરી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપીમાં છેલ્લા 15 દિવસથી સફાઈ પખવાડીયાને ઉજવણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં સફાઈ ઓછી અને દેખાડા વધુ પડતા થઈ રહેલાનું જોવા મળી રહ્યું છે. તેવી ચોંકાવનારી ઘટના વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ આયોજીત થયેલ સફાઈ કામગીરીમાં જોવા મળી હતી.
વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિના દિવસે સવારે 7 વાગે 100 જેટલા સફાઈ કામદારો તથા મુકદમ સાથે 9 જેટલા ટ્રેક્ટર ટેમ્પોનો કાફલો ઉતારી દેવાયો હતો. સફાઈ કામગીરીની બરાબર વિડીયોગ્રાફી થઈ રહી હતી, હેન્ડ ગ્લોઝ પહેરી ફોટો સેશનની પણ કામગીરી એટલી જ પુર જોશમાં ચાલી રહી હતી. બે-એક કલાકમાં સફાઈ અભિયાન કામગીરી પુર્ણ કરી દેવામાં આવી. પાંદરા-છોડની સફાઈ કરીને એકત્ર કરાયેલ કચરાના ઢગલા યથાવત ત્યાં જ છોડી દેવાયા હતા. કોઈ જાગૃત નાગરિકને ધ્યાને આવતા ફોટોગ્રાફી કરી વાયરલ કરી ત્યારે ખબર પડી કે આ તો ગાંધી જયંતિના નામે સફાઈ કામગીરીની ઔપચારિકતા પુરી કરાઈ છે. સફાઈ કે વિકાસની કામગીરી શો-બાજી ન થવી જોઈએ. જમીની કામગીરી થવી જોઈએ તેવુ વાપીના નગરજનો ઈચ્છી રહ્યા છે.