દિવાળી તહેવાર મોટા ભાગની કંપનીઓ બંધ હોવાથી તસ્કરો
ગેરલાભ ઉઠાવવા મેદાને પડયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી જીઆઈડીસીમાં દિવાળી ટાણે મોટા ભાગની કંપનીઓમાં રજા હોવાથી કંપનીઓ બંધ હતી. આ સમય જાણે તસ્કરો માટે સિઝન ખુલી હોય તેમ રાત્રીના સમયે કેટલીક કંપનીઓમાં ચોરી કરવા માટે પગ પેસારો કર્યો હોય તેવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
દિવાળી વેકેશન બાદ કંપનીઓ યથાવત કાર્યરત થવા લાગી છેત્યારે કંપનીઓના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવતા એક કંપનીમાં તસ્કરો ઘૂસી ચોરી કરવાનો પ્રયાસ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જો કે કંપનીમાં કોઈ ચોરી થઈ નહોતી તેથી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ બંધ કંપનીમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ જરૂર કર્યો હતો તેવી સીસીટીવી કેમેરાએ ચાડી ખાધી હતી. દિવાલીનું વેકેશન કંપનીઓ માટે નિર્વિઘ્ને પસાર થયું હોવાથી કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાપીની કંપનીઓમાં અવાર નવાર ચોરીના બનાવો બનતા રહે છે.