(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07
વાપી જીઆઈડીસી જે ટાઈપ વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે સ્થિત જાણીતી કંપની થેમીસ મેડીકેર લીમીટેડમાં આજે ગુરૂવારે સવારના દશ વાગ્યાના સુમારે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો.
જીઆઈડીસી જે-ટાઈપ વિસ્તારમાં આવેલ થેમીસ મેડીકેર લી. કંપનીમાં ભિષણ આગ લાગતા ફાયરબ્રિગેડને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો. આગ મોટી અને ભિષણ માત્રામાં હોવાથી નોટીફાઈડ, પાલિકા, સરીગામ, વલસાડ સહિત 8 ફાયર ગાડીઓ ઘટના સ્થળે ધસી ગઈ આગ બુઝાવાની તડામાર જહેમત શરૂ કરી દીધી હતી. પાણી સાથે ફોર્મનો પણ અવિરત મારો આગને કાબુ કરવા માટે ચલાવાયો હતો. જાણવા મળ્યા મુજબ આગમાં ત્રણ જેટલા કર્મચારી ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આગમાં અન્ય કોઈ જાનહાનીની ઘટના ઘટવા પામેલ નથી. અલબત્ત આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે. જીઆઈડીસીમાં અવાર નવાર કંપનીઓમાં આગ લાગવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.