(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: વર્ષો પૂર્વેના દબાણમાં હજુ માત્ર નોટિસની જ પીપૂડી વગાડવામાં આવી રહી છે ત્યારે પ્રાંત અધિકારી દ્વારા માત્ર દેખાડા પૂરતી જ બેઠક કરાતી હોવાનું ફલિત થઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ ચીખલીમાં ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગને અડીને બે અલગ અલગ ધર્મ સમુદાયના ધાર્મિક દબાણ તંત્રના રેકોર્ડ પર આવેલા છે. આ દબાણો દૂર કરવા માટે ઘણા સમયથી પ્રાંત અધિકારી દ્વારા માર્ક મકાન વિભાગના અધિકારીઓ અને બંને સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.
પ્રાંત અધિકારી દ્વારા ગતરોજ પણ બેઠક યોજવામાં આવી હતી પરંતુ તેમાં માત્ર એક જ સમુદાયના ચારેક જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દબાણો બે અલગ અલગ ધર્મ સમુદાયના હોય બંનેનાપ્રતિનિધિઓની ઉપસ્થિતિ જરૂરી હોવા છતાં એક જ સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવતા આવી બેઠકો માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. અવાર નવારની બેઠકો બાદ નોટિસ આપવાથી વાત આગળ વધી શકી નથી. ત્યારે આવી બેઠકનો કોઈ મતલબ જણાતો નથી તેવામાં ખરેખર દબાણ કયારે દૂર થશે તે આવનાર સમયમાં જ બતાવશે.
વિકાસના કામોમાં પણ ઘણા સમયથી ખો આપી રહ્યા છે તો આવા અધિકારી શું વિકાસ કરાવશે?
ચીખલીમાં ધાર્મિક દબાણના મુદ્દે પ્રાંત અધિકારી માર્ગ મકાન નોટિસ આપશે તેવું કહી રહ્યા છે જ્યારે માર્ગ મકાનના અધિકારી નોટિસ આપી દીધી હોવાનું જણાવી રહ્યા છે અને હકીકતમાં માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસ આપી પણ હતી પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે તો તે માટે જવાબદાર કોણ? માર્ગ મકાન પર ઢોળી પ્રાંત અધિકારી ખો આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા હોય તેવી સ્થિતિમાં નક્કર પરિણામની આશા ઠગારી નીવડી શકે તેમ છે.
લો બોલો? પ્રાંત અધિકારીને જ ખબર નથી બેઠકમાં કોણ આવ્યું હતું તો દબાણો કેવી રીતે દુર થશે?
પ્રાંત અધિકારીના જણાવ્યાનુસાર ધાર્મિક દબાણના મુદ્દે ગતરોજ બેઠકયોજવામાં આવી હતી. કોણ કોણ હાજર હતું એ મને મોઢે યાદ નથી પરંતુ આ દબાણો માર્ગ મકાનના તાબામાં હોય માર્ગ મકાન દ્વારા નોટિસ આપવામાં આવશે.
અગાઉ પણ નોટીસ આપી છે : કાર્યપાલક ઈજનેર ભરતભાઈ
માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્યાનુસાર ધાર્મિક દબાણ કર્તાઓને ત્રણ જેટલી નોટિસ તો આપેલી જ છે. દબાણ ખસેડવા માટે પંદર દિવસનો સમય અપાયો છે. દબાણ ખસેડી નાંખ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.