(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે ચીખલી તાલુકાના 23 સહિત જિલ્લાના 82-જેટલા તલાટી કમ મંત્રીઓની સાગમટે બદલી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લેવાયા હોવાની બુમરાણ વચ્ચે થોડા દિવસો માટે આ બદલીઓનો હુકમ હોલ્ટ પર રાખવામાં આવ્યો હતો. અને જિલ્લાના ઉચ્ચ અધિકારીની સૂચનાથી દિવાળીના એકાદ દિવસ પૂર્વે જ તમામ તલાટીઓને છુટા કરી દેવાતા તેઓએ ફરજિયાત બદલીના સ્થળે હાજર થવાની નોબત આવી હતી.
જોકે સાગમટે કરાયેલ તલાટીઓની બદલીઓમાં કેટલાક વગ ધરાવતાઓને પસંદગીના સ્થળે તાલુકા મથકની આજુબાજુમાં જ ગોઠવાતા કચવાટ સાથે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો એક તલાટી તો તાલુકા મથકથી બે કિલોમીટરના અંતરે આવેલા પંચાયતમાં જ ફરકબજાવતો હતો. અને તેને તાલુકા મથકને અડીને આવેલા પંચાયતમાં જ બદલી કરવામાં આવતા તે સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત બનવા પામી છે. આ તલાટીએ તો બે મહિના પૂર્વે જ પોતે આ ગ્રામ પંચાયતમાં આવતો હોવાની બડાસ મારવા માંડી હતી. અને તે પંચાયતમાં તેની બદલી થતાં આ સમગ્ર બદલીઓમાં જિલ્લા પંચાયતના એક અધિકારીના મદદનીશ ભૂંડી ભૂમિકા ગઢવી હોવાની વિગત પ્રકાશમાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીનો આ મદદનીશ તલાટી ચોક્કસ કયા વિસ્તારમાંથી આવે છે. તેને જ પ્રાધાન્ય આપતો હોવાની પણ ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે. તલાટીઓની બદલીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લઈ મનમાની કરવાની નીતિરીતે સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.
તલાટીઓની બદલી હોય કે અન્ય બાબતો હોય પરંતુ જિલ્લા અધિકારીઓ દ્વારા આ રીતે સ્થાનિક નેતાઓની અવગણના ના કાર્યકરોને અધિકારી રાજનો અહેસાસ કરાવવા સાથે આવી જ સ્થિતિ રહેશે તો સત્તાધારી પક્ષને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે પોતાના મતવિસ્તારમાં તલાટીઓની બદલીઓમાં વ્હાલા દવલાની નીતિ હોય કે અન્ય પ્રશ્નો બાબતે નવસારીના સાંસદ સમય કાઢી દરમિયાનગીરી કરે તેવી લાગણીકાર્યક્રમમાં પ્રવર્તી રહી છે.