દમણગંગા નદી કિનારે તેમજ રાતા ખાડી પાસે છઠ્ઠ પૂજાની આસ્થા સાથે ભાવિકોએ કરેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: ઉત્તરભારતીય માટે સૌથી મહિમાવંતુ પર્વ એટલે છઠ્ઠ પૂજા. ભારતભરમાં જ્યાં જ્યાં ઉત્તર ભારતીયો વસવાટ કરે છે ત્યાં ત્યાં છઠ્ઠ પર્વની ઉજવણી કરે છે. 36 કલાક નિર્જળા સાથે ભગવાન સૂર્યનારાયણને સંધ્યા અને પ્રાતઃ અર્ઘ્ય પૂજાપાઠ આરતી કરીને ચઢાવે છે. આજે વાપી દમણગંગા નદી કિનારે તેમજ રાતા ખાડી પાસે છઠ્ઠ પૂજાની હજારો ભાવિકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
દમણગંગા નદી કિનારે સાંજના 4 વાગ્યાથી ભાવિકોનું ઘોડાપુર છઠ્ઠ પૂજા કરવા માટે દમણગંગાના ઘાટ ઉપર ઉમટી આવ્યું હતું. વાસની ટોપલીઓમાં પૂજાનો સામાન, ફળો, શેરડી સાથે અબાલ વૃધ્ધો છઠ્ઠ પૂજામાં જોડાયા છે. બહેનોએ ભગવાન સૂર્યનારાયણનો સંધ્યા અર્ઘ્ય અભિષેક કર્યો હતો. 36 કલાક નિર્જળા રહી ખુબ આસ્થા સાથે છઠ્ઠની આરાધના-ઉપાસના કરે છે. ઉત્તર ભારતીયો માટે છઠ્ઠ પૂજા ખુબ મહિમાવંતો આદર આસ્થા સાથેનું પર્વ છે. આજે ગુરૂવારે સંધ્યા પૂજા કરવામાં આવી હતી તેમજ આવતીકાલેસવારે છ કલાકે ફરી સૂર્ય ભગવાનને નદી કિનારે પહોંચી અર્ક ચઢાવી છઠ્ઠ પૂજાનું વ્રત પુરુ કરે છે. બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા નદી કિનારે જરૂરી પ્રાથમિક સેવા સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. જેથી કોઈપણ ભાવિકોને મુશ્કેલી પડે નહીં. પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો. દમણગંગા નદી કિનારે અંદાજીત 30 થી 40 હજાર ભાવિકો છઠ્ઠ પૂજામાં જોડાયા હતા. જ્યારે રાતા ખાડી ઉપર 10 જેટલા ભાવિકો છઠ્ઠ પૂજામાં જોડાયા હતા. વાપીમાં વસતા તમામ ઉત્તર ભારતીય પરિવારોએ આસ્થા ઉમંગ ઉત્સાહ સાથે છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.