અગાઉ જિલ્લા પ્રશાસનને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ હલ નહીં નીકળતા અંતે કામદારોએ ઉગામેલું હડતાળનું શસ્ત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલીના ઉમરકુઇ ગામે આવેલ મેસર્સ યુ.ડી.ફાર્મા રબર લિમિટેડ કંપનીના કર્મચારીઓને નીતિ-નિયમ મુજબ લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું વેતન કંપની સંચાલકો દ્વારા આપવાના મુદ્દે કામદારો હડતાલ પર ઉતર્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કંપનીના કર્મચારીઓ/કામદારોને સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતનનો લાભ નહીં મળવા મુદ્દે અગાઉ પણ વારંવાર પ્રશાસનના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, જે સંદર્ભે ગત તા.12 ડિસેમ્બર, 2023ના રોજ દાનહ જિલ્લા લેબર અધિકારી અને કંપની સંચાલકો સાથે એક બેઠક કરવામાં આવી હતી. જેમાં કામદારોને લઘુત્તમ વેતન આપવા માટે કંપની સંચાલકોને આદેશ કરાયો હતો, તેમ છતાં પણ કંપની સંચાલકો દ્વારા કામદારોના પગારમાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં નહીં આવતાં અંતે કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. તેઓની માંગ છે કે, કંપની દ્વારા જ્યાં સુધી અમારા લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ જ રહેશે.