કોન્ટ્રાક્ટર અને એજન્સી વિરુદ્ધ ફરિયાદ કરવા એ.પી.ને રજૂઆત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: આજરોજ તા.10/11/2024 ના દિને જિલ્લા પોલીસ વડાશ્રી વલસાડ અને પી.આઇ શ્રી ધરમપુર ને નેશનલ 56 વાપી થી શામળાજી રોડ પર પડેલ ખાડાઓના કારણે અકસ્માતનો ભોગ બની ખટાણા ગામના બે લોકોએ જીવ ગુમાવ્યો હોય અને અગાઉ પણ ખરાબ રોડના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોય જેથી આ વિભાગના અધિકારી તેમજ કોન્ટ્રાકટર પર કાયદેસરની ફરિયાદ દાખલ કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.
નેશનલ 56 વાપી થી શામળાજી રોડ કરવડ થી ખાનપુરસુધી અંદાજિત 22.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને આ રોડ બનાવવાની શરૂઆત જ્યારે થઈ હતી ત્યારે 28/3/2023 ના દિને રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ 20/7/2023 ના દિન એ પહેલાજ વરસાદમાં રોડની હાલત ખરાબ થઈ જતા લેખિતમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ 24/7/2024 ના દિને પણ આ રસ્તાનું પ્રોપર કામ કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આટલી રજૂઆત કરવા છતાં પણ આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈપણ શિક્ષાત્મક પગલાં લેવામાં ન આવ્યા હોવાને કારણે ગઈકાલે સાંજે અમારા ખટાણા ગામના બે વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને અગાઉ પણ આજ રસ્તા પર પડેલ ખાડાઓના કારણે અનેક લોકો ને જીવ ગુમાવ્યો છે.
જે બાબતે તાત્કાલિક જવાબદાર અધિકારી પર અને આ રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને એજન્સી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ રોડ બન્યા પછી ખરાબ રસ્તાને કારણે મરણ જનારના દરેક પરિવારને સહાયરૂપ યોગ્ય વળતર આપવામાં આવે એવી માગ કરવામાં આવી હતી.