અકસ્માતમાં ઈકો કાર ફંગોળાઈ ખાડામાં ખાબકી ગઈ : ઘાયલો સારવાર હેઠળ, કોઈ જાનહાની થવા પામી નહોતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપીથી નાસિક હાઈવે ઉપર શનિવારે મોડી રાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાપીથી ધરમપુર જઈ રહેલી ઈકો કાર ધડાકાભેર કપરાડાના કાકડકોપર ગામ પાસે એસ.ટી. બસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બસ અને ઈકોના 33 જેટલા મુસાફરોને સ્થાનિકોએ સારવાર માટે ખસેડયા હતા.
વાપીથી ધરમપુર જવા નિકળેલ ઈકો કાર નં.જીજે 15 સીએન 9821 કપરાડાના કાકડકોપર ગામે પસાર થતી હતી ત્યારે વળાંકમાં સામે વાપી તરફ આવી રહેલ એસ.ટી. બસ સાથે ઈકો કાર ધડાકા સાથે ભટકાતા ગંભીર અકસ્માતશનિવારે સાંજે સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા સરપંચ ગણેશભાઈ સહિત સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બસના મુસાફર અને ઈકો સવાર મળી કુલ 33 જણાને નાની મોટી ઈજાઓ થઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી. બે થી ત્રણ જણની સ્થિતિ ગંભીર હતી. તમામને 108 અને ખાનગી વાહનોમાં નાનાપોંઢા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતમાં ઈકો કાર ફંગોળાઈને ખાડામાં પટકાઈ હતી. તેથી વાહનને નુકશાન થયું હતું. બસ ચાલક પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો.