આખો દિવસ કામ કરાવ્યા બાદ આદિવાસી યુવતીને મહેનતાણું ન આપી જાતિ વિશેગાળો આપી મોબાઈલમાં ઓડિયો ક્લિપ મોકલીઃ આદિવાસી ગરીબ યુવતીએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પારડી પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ સ્તરે કરી લેખિત ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.11: હિંદુઓ તથા હિન્દુ મંદિરો પર થઈ હુમલાઓને લઈ સરકાર જાતિ, ધર્મ, ઉચ-નીચ ભૂલી બટેંગે તો કટેગે ના સૂત્ર હેઠળ સૌ ભારતીયોને એક થવા અપિલ કરી રહી છે. પરંતુ કેટલાક લોકોના મનમાંથી હજુ પણ ઊંચ-નીચ તથા જાતિ અંગેની માનસિકતા દૂર થઈ નથી. આવો જ એક કિસ્સો પારડી ખાતે બનવા પામ્યો છે.
પારડી તાલુકાની એક આદિવાસી યુવતી અવધ યુટોપિયા બંગલા નંબર 181 માં રહેતા ભારતી નવીનભાઈ શાહના ઘરે ઘરકામ કરવા ગઈ હતી. પૂર્ણ દિવસ કામ કરાવ્યા બાદ આ ભારતીબેને આદિવાસી ગરીબ યુવતીને કે જેઓ રોજ મજૂરી કરી પરિવારનો પેટનો ખાડો પૂરે છે અને જો મજૂરીનું મહેનતાણું ન મળે તો ભૂખ્યા સુઈ જવું પડે છે તેવી સ્થિતિ હોવા છતાં આ યુવતીને મહેનતાણું આપ્યા વિના અમે અઠવાડિયા માટે બહાર જઈએ છીએ અઠવાડિયા પછી હું ફોન કરી બોલાવીશ ત્યારે કામ પર આવજે હોવાનું જણાવી કાઢી મૂકી હતી.
સંપુર્ણપણે મજૂરી પર નિર્ભર આ યુવતી અન્ય સ્થળે ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહીહતી.
આ દરમિયાન અઠવાડિયા બાદ પરત આવી ભારતીબેને આ આદિવાસી યુવતીને ફોન કર્યો હતો પરંતુ મજૂરી કરી રહેલ આ યુવતીને તેમનો ફોન આવ્યાની જાણ થઈ ન હતી.
આ આદિવાસી યુવતીએ ફોન ન ઉપાડતા પોતાનો ઈગો હટ થયા હોવાનું અને પોતે ઉચ્ચ વર્ણની હોવાનું મનમાં રાખી પોતાની જાતિ વિષયક માનસિકતા છતી કરી આ આદિવાસી ગરીબ યુવતીને તેમની જાતિ વિષયક બીભસ્ત ભાષામાં ગાળો બોલી આ અંગેનું સંપૂર્ણ ઓડીઓ રેકોર્ડિંગ આ આદિવાસી યુવતીના મોબાઇલમાં મોકલ્યું હતું.
આ આદિવાસી યુવતીએ મોબાઈલ પર રેકોર્ડિંગ સાંભળતા પોતે ગભરાઈ જઈ સમાજના આગેવાનો તથા સમાજના ભાઈઓને આ ઓડિયો ક્લિપ અંગેની જાણ કરી હતી.
આ ઓડિયો ક્લિપ સમાજમાં વાયરલ થતાં સમગ્ર આદિવાસી સમાજમાં એના ઊંડા પ્રત્યાઘાતો પડ્યા હતા અને પારડી શહેર તથા તાલુકા સહિત મુંબઈ થી અમદાવાદ સુધીના આદિવાસી લોકોએ એક સુરે આ મહિલા વિરુદ્ધ પગલા ભરવાની તૈયારી દર્શાવી હતી.
જેને લઈ આજરોજ આ યુવતી તથા પારડી શહેર તથા તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈ સૌ પ્રથમ પારડી પોલીસ સ્ટેશનમાં આ ભારતીબેન શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પારડી પ્રાંત અધિકારી સહિત આદિજાતિ મંત્રી ગાંધીનગર, અનુસૂચિત જનજાતિઆયોગ, આઈ.જી સાહેબ, રેન્જ આઇ.જી., એસ.પી કચેરી વલસાડ, ડીવાયએસપી કચેરી વલસાડ જેવી જગ્યાએ આવેદનપત્ર આપી આ ગરીબ યુવતી તથા સમગ્ર આદિવાસી સમાજને ન્યાય આપવાની રજૂઆત કરતું આવેદન પત્ર આપ્યું હતું અને જો ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
—-