સંપનું ઢાંકણ ન હોવાથી 7 વર્ષિય કૈફ અન્સાર પાણીની ટાંકીમાં પડી ગયો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વાપી ડુંગળી ફળીયા એકતા નગરમાં રવિવારે સાંજના એક કરૂણાંતિકા સર્જાઈ હતી. અહીં આવેલા વાપી નગરપાલિકા પાણીના સંપમાં 7 વર્ષિય બાળક રમતા રમતા અંદર પડી ગયા બાદ બાળકનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. ઘટના બાદ હંગામો મચી ગયો હતો. સેંકડો લોકો એકઠા થઈને પાણીની બેદરકારી સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
વાપી ડુંગરી ફળીયા એકતા નગર વિસ્તારમાં પાણી ટાંકી (સંપ) આવેલો છે. અહીં આસપાસ બાળકો રોડ રમે છે. રવિવારે સાંજના કૈફ અન્સારી ઉ.વ.7 નામનો બાળક રમતા રમતા ટાંકીનું ઢાંકણ નહી હોવાથી અંદર પડી ગયો હતો. ઘટનાની જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતા. ડુંગરા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભારે મુશ્કેલી બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે જૈફને મૃત જાહેર કર્યો હતો. પોતાના વહાલસોયા પૂત્રના મૃત્યુ બાદ પરિવાર હતપ્રભ થયો હતો. સેંકડો લોકો એકઠા થઈ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટના બાદ પાલિકા સુત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ બે વાર ઢાંકણ નાખવામાં આવ્યા હતા. લોકોને ધ્યાન રાખવાની જાહેર સુચના આપીહતી. ટાંકી ઉપરથી ઢાંકણ ચોરાઈ જતા હતા.