
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19
નવસારી તાલુકાના આમરી કસ્બા ગામે ધોળાપીપળા તરફ જતા રોડ ઉપર કન્ટેનર અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના પાંચ વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તેઓના પરિવારજનો પર આફત આવી પડતાં નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે મૃત્યુ પામેલા પરિવારજનોને મુખ્યમંત્રીશ્રીના ખાસ રાહત ફંડમાંથી સહાય મળી રહે તે માટે રજૂઆત કરી હતી. આ બાબતે રાજ્ય સરકારશ્રીએ મૃતકોના પ્રત્યેક વારસદારને રૂા.4 લાખ લેખે કુલ પાંચ વારસદારોને રૂા. 20/ લાખની સહાય મંજૂર કરાઈ હતી. જેઅંતર્ગત આજરોજ નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ અને મંત્રી શ્રી નરેશભાઈ પટેલે સમરોલી ખાતે જઈ વારસદારોને સહાયના ચેક આપવામાં આવ્યા હતાં. અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, શ્રીમતી શીતલબેન સોની, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાંવિત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

