ઘાયલોને ધરમપુર, વલસાડ, કપરાડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: કપરાડા નાસિક હાઈવે ઉપર આવેલ કુંભઘાટ ઉપર વધુ એક અકસ્માત સર્જાયો છે. આજે મંગળવારે મળસ્કે નાસિકથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 23 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા અને એક મહિલાનું મોત નિપજ્યું હતું. તમામને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધરમપુર, કપરાડા તથા વલસાડ અને સુરતની સિવિલ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઘટના બનતા આ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના નાસિક તરફથી સુરત આવી રહેલી ખાનગી લક્ઝરી બસ નં.એ.આર. 20 આઈ.બી. 6644 ની બસ સુરત તરફ જઈ રહી હતી. મળસ્કે-પરોઢીયે મુસાફરો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યાં અચાનક કુંભઘાટનો જોખમી ઘાટ ઉતરતા બસ પલટી મારી ગઈ હતી. બસ સવાર મુસાફરોએ ચિસાચીસ કરી મુકી હતી. અકસ્માતમાં 23 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા અને એક મહિલાનું મોત નિપજ્યું હતુંઅને સુરતનો 11 વર્ષિય બાળક વેદાંત સંદિપ પાટીલ બુરી રીતે ફસાયો હતો. બસને કટરથી કાપી વેદાંતને મહામહેનતે લોકોએ બહાર કાઢી 108 દ્વારા સુરત સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટના વિશે તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાને પોસ્ટ મોર્ટમ માટે મોકલી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જોકે બસ ડ્રાઈવર ફરાર થઈ જતા પોલીસે ડ્રાઈવરની તપાસ કરી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
સ્થાનિકોનું કહેવું છેકે, કુંભઘાટ અતિ જોખમી ઘાટ છે. આ ઢોળાવ વાળો રસ્તો હાોવથી રાત્રે ઘણીવાર ડ્રાઇવરોને ઢાળ વિશે ખ્યાલ આવતો નથી. આ ઘાટ ઉપર અઠવાડિયામાં નિરંતર બે-ત્રણ અકસ્માતો સર્જાતા રહે છે.