ત્રણ-ચાર દિવસથી ડ્રેનેજમાં ઢાંકણથી ગંદુ પાણી વહી રહ્યું છે છતાં પણ તંત્ર પહોંચ્યુ નથી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: પબ્લિક ડિપાર્ટમેન્ટની જાહેર કામગીરી ફરજ બજાવતા તંત્રો એટલા બધા રેઢીયાળ અને બેજવાબદાર રીતે કામગીરી કરતા રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો અવાર નવાર સામે આવે છે. તેવી વધુ એક ઘટના વાપી જીઆઈડીસી પોસ્ટ ઓફીસ રોડ ઉપર છેલ્લા ત્રણ-ચાર દિવસથી ડ્રેનેજના ઢાંકણમાંથી ગંદુ પાણી બહાર રોડ ઉપર ઉભરાઈ રહ્યું છે. પરિણામે રાહદારીઓ અને વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં રોજ મુકાઈ જતા જોવા મળી રહ્યા છે.
વાપી જીઆઈડીસી વિસ્તારમાં જાહેરપબ્લીક પ્લેસ એવી પોસ્ટ ઓફીસ રોડ ઉપર વિકટ સમસ્યા સર્જાઈ છે. મેઈન રોડથી પસાર થતી ગટર લાઈનના ઢાંકણમાંથી ત્રણ-ચાર દિવસથી ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો તોબા પોકારી રહ્યા છે. જીઆઈડીસી તંત્ર હેઠળ આવતી કામગીરી છે. પરંતુ તંત્રનો રેઢીયાળ વહીવટ લોકોને મુશ્કેલીમાં ધકેલી રહ્યો છે. ચાર દિવસથી ગટરનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે પણ મરામત કરવાની ફુરસદ તંત્ર પાસે નથી તેવું સ્થાનિક લોકો અને વેપારીઓ જણાવી રહ્યા છે.