(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : ‘બ્રેસ્ટ કેન્સર અવરનેશ’ માટે સેલવાસના કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન દ્વારા ‘કેસીએએ મેરેથોન દોડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો યુવક, યુવતિ અને મહિલા-પુરૂષ દોડવીરોએ ભાગ લીધો હતો. મેરેથોનનું પ્રસ્થાન લાયન્સ ઈંગ્લીશ સ્કૂલ પરિસરથી સેલવાસના પી.એસ.આઈ. શ્રીમતી છાયાબેન ટંડેલે લીલી ઝંડી બતાવીને કરાવ્યું હતું.
આ મેરેથોન 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10કિલોમીટર, 6 કિલોમીટર અને 3 કિલોમીટરની શ્રેણીમાં આયોજીત કરવામાં આવી હતી, જેમાં 1500થી વધુ દરેક ઉંમરનાસ્ત્રી, પુરુષ અને બાળકોએ ભાગ લીધો હતો. મેરેથોનના દરેક સ્પર્ધકને ફિનિશર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક શ્રેણીમાં મહિલા, પુરુષ અને બાળકોને પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રીમતી મીના તંવરે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા કેન્સરની જાગૃતિ માટે 18 વર્ષથી કામ કરી રહી છે અને છેલ્લા સાત વર્ષથી સમાજના દરેક વર્ગોને સાથે લઈ કેન્સર જાગૃતિ મેરેથોનનું આયોજન કરી રહ્યા છીએ. કેન્સર અવરનેશથી મહિલાઓને સ્તન કેન્સર જેવી ભયાનક બીમારીથી બચાવી શકાય, આ મેરેથોનને સફળ બનાવવા માટે પ્રદેશની કેટલીક ફેક્ટરીઓ તથા સંસ્થાઓનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો. અમી પોલિમર પ્રાઇવેટ લિમિટેડ, ગ્રોવર એન્ડ વિલ ઇન્ડિયા લિમિટેડ, ઇપકા લેબોરેટરીઝ લિમિટેડ, સવિતા કેમિકલ, વેદાંતા સ્ટરલાઈટ કોપર, નીલકમલ ઇન્ડસ્ટ્રીઝ, સેંટ ગોવિન, વિક્રમ પ્લાસટાઇઝર, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ તથા 21સ્ટ સેન્ચુરી કેન્સર કેયર અને લાયન્સ ક્લબ ઓફ સેલવાસ. આ દરેક કંપની અને સંસ્થાઓના કર્મચારીઓએ પણ આ મેરેથોનમાં ભાગ લીધો હતો. આ મેરેથોનને સફળ બનાવવા માટે દાનહ પ્રશાસન સાથે પોલીસ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને સમાજના વિશેષ વ્યક્તિઓનું યોગદાન રહ્યું હતું.
