સરીગામ સીટીઇપીના વહીવટ સામે શંકા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: સરીગામ જીઆઇડીસી એન્જિનિયરિંગ ઝોન પંપીંગ સ્ટેશનની નજીક એક કંપની દ્વારા જાહેરમાં કલરયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતુ. આ ઘટનાની જાણકારી જીપીસીબીના અધિકારીઓને કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ કોઈક કામસર વ્યસ્ત હોવાના કારણે તાત્કાલિક સ્થળ ઉપર આવ્યા ન હતા. જોકે પાછળથી સ્થળ નિરીક્ષણ કર્યું છે કે કેમ એની જાણકારી અધિકારીઓનો સંપર્ક નહી સાંધતા પ્રાપ્ત થઈ શકી નથી.
અત્રે નોંધનીય છે કે, સરીગામ જીઆઇડીસી નજીકનો કરજગામ વિસ્તાર પ્રદૂષણના કારણે ખૂબજ અસરગ્રસ્ત છે. છેલ્લા 11 મહિનાથી બોરિંગોમાંથી નીકળતું કલર યુક્ત પાણીનું નિરાકરણ આવી શકતું નથી. જેની તપાસ હવે ઉચ્ચસ્તરેથી થવા જઈ રહી છે. ત્યારે આજની ઘટનામાં અધિકારીઓએ ગંભીરતા દાખવવાની જરૂરત છે. સરીગામ સીઇટીપીની પાઇપલાઇનના ચાલી રહેલાકામગીરીના મુદ્દે કાંઠા વિસ્તારની પ્રજા ભારે વિરુદ્ધ નોંધાવી રહી છે. પાઇપલાઇનની કામગીરી અને કાયદેસરતા સામે પણ વેધક સવાલો ઉઠી રહ્યા છે. સરીગામ સીઇટીપીનુ સંચાલન કરવા માટે જીઆઇડીસી બોર્ડે ડાયરેક્ટર નિમણૂક માટે જે માર્ગદર્શિકાનુ પાલન કરવાનું જણાવ્યું હતું એનું પાલન કરવામાં સીઇટીપીનું સંચાલન કરતી ક્લીન ઇન્સેટિવ કંપની નિષ્ફળ છે. જીઆઇડીસીના એમડીએ એસ આઈએને ડાયરેક્ટરોની નિમણૂક માટે લેખિત સૂચન કર્યું હતું. અને એના સંદર્ભમાં પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટે પ્રત્યુતર પણ આપ્યો હતો જેમાં ચાર ડાયરેક્ટરોના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ગતિવિધિ એસઆઈએના પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની કાર્યભાર સંભાળ્યા બાદ મંદ પડી છે જેમાં ગતિ લાવવી આવશ્યક જણાવી રહી છે. આમ સરીગામ સીઈટીપીના પારદર્શક વહીવટના અભાવે જોખમ સામે આવવાની અને એના ઉપર આધારિત કંપનીઓને સહન કરવા પડે એની શકયતા નકારાતી નથી.