વરસાદે વિરામ લીધાને લાંબો સમયવીતવા છતાં હાઇવે ઓથોરિટીને ખાડા પુરવાની ફુરસદ નથીઃ વાહન ચાલકો જીવના જોખમે આ સર્વિસ રોડ પરથી પસાર થવા મજબુર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને તેના સર્વિસ રોડની છેલ્લા વર્ષોમાં સૌથી ખરાબ સ્થિતિ આ ચોમાસામાં જોવા મળી છે. અને મરામતમાં પણ હાઇવે ઓથોરિટી અને તેની એજન્સી દ્વારા સૌથી વધુ બેદરકારી આ વખતે જ દાખવવામાં આવી હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. હાઈવેની વાત હોય કે તેના સર્વિસ રોડની પરંતુ મરામતમાં નકરી વેઠ ઉતારી મનમાની ચલાવવામાં આવી રહી છે.
તાલુકામાંથી પસાર થતા હાઇવેના સર્વિસ રોડ ઉપર ચોમાસામાં ઠેર ઠેર મસમોટા ખાડા પડયા હતા. આજે વરસાદે વિદાય લીધાને લાંબો સમય વીતવા છતાં મરામત કરાઈ નથી. થાલામાં પેટ્રોલપંપની આગળ તો આખેઆખો સર્વિસ રોડ બેસી જવા પામ્યો છે. અને એટલા મોટા અને ઊંડા ખાડા પડયા છે કે સર્વિસ રોડનું અસ્તિત્વ જ ભૂંસાઈ જવા પામ્યું છે. આવી હાલત તોછેવાડાના ગામડાના શેરી રસ્તાની પણ નથી. આ મહાકાય ખાડામાંથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમી પુરવાર થાય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. ખાડાની આજુબાજુ સલામત જગ્યા શોધીને પસાર થવું પડી રહ્યું છે. સર્વિસરોડ ખાસ કરીને સ્થાનિકોને ખૂબ ઉપયોગી હોય તેવામાં ચોમાસાની વિદાયના દિવસો વીતવા છતાં મરામત માટે ફુરસદ મળી નથી.
ટોલટેક્ષ પેટે લાખો રૂપિયાની આવક મેળવનાર હાઇવે ઓથોરિટીને લોકોની સલામતીની કોઈ જ પડેલી ન હોય તેમ મરામતમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. ચંૂટણીમાં મત મળી ગયા બાદ નેતાઓને પણ લોકોની સલામતી કે સુવિધા માટે ફુરસદ હોતી નથી. તેવા હાઇવે ઓથોરિટીને કોઈ પૂછનાર જ ન હોય તેવામાં મનમાની કરવા માટે તેને મોકળું મેદાન મળી જવા પામ્યું છે. જેમાં લોકોએ પીસાવા સિવાય કોઈ છૂટકો જણાતો નથી ત્યારે આવી સ્થિતિમાં હાઇવે ઓથોરિટી દ્વારા કયારે મરામત કરાશે તે જોવું રહ્યું.