બે પશુના મોત : બસમાં ફસાયેલ એકને જીવદયા પ્રેમીઓએ બહાર કાઢયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વલસાડ કાંપરી ઓવરબ્રિજને છેડે બુધવારે રાતે એસ.ટી. બસને અકસ્માત નડયો હતો. ઝાડી ઝાંખરામાંથી અચાનક ત્રણ પશુ રોડ ઉપર આવી જતા બસ સાથે ભટકાયા હતા. અકસ્માતમાં બે પશુના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક ફસાયેલ પશુને જીવદયા પ્રેમીઓએ ઉગારી સારવાર માટે ખસેડયું હતું.
બુધવારે રાતે 8 વાગ્યાના સુમારે સેલંબાથી વલસાડ આવી રહેલ એસ.ટી. બસ નં.જીજે 18 ઝેડ 8472 કોપરી ઓવરબ્રિજ ઉપર પસાર થઈ રહી હતી ત્યારે બ્રિજના છેડે અચાનક ઝાડી-ઝાંખરામાં ત્રણ પશુઓ રોડ ઉપર આી ગયા હતા. ત્રણેય પશુ બસ સાથે લટકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિકોને અવાજ આવતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે ડુંગરી પોલીસને જાણ કરી હતી. અકસ્માતમાં બે પશુના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારેઅન્ય એક પશુના આગળના ભાગે ફસાઈ ગયેલ જીવદયા પ્રેમીઓને ઘટનાની જાણ કરાતા તેઓ અકસ્માત સ્થળે દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જે.સી.બી.ની મદદથી મૃત બે પશુઓને દૂર ખસેડી રોડ ખુલ્લો કરાયો હતો જ્યારે ઘાયલ પશુને સારવાર માટે રવાના કરાયા હતા. ડેપો મેનેજર સહિતનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. જો કે અકસ્માતમાં મુસાફરોને કોઈ ઈજા થવા પામી નહોતી.