સવારે 7 થી 8 વાગ્યાની આસપાસ નશાની હાલતમાં ઘરમાં ઘુસી સોનાની બંગડીઓ, બુટ્ટી અને રોકડની લૂંટ ચલાવી મહિલાની હત્યા કરી ભાગી રહેલા ડાલીમ હવાલદાર નામના 40 વર્ષિય વ્યક્તિને લોકોએ ઝડપી પાડયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : દમણના સોમનાથ અમલીયા પાલિયા વિસ્તારમાં 62 વર્ષીય મણીબેન પટેલ નામની મહિલાની લૂંટ અને હત્યા ઘટના પ્રકાશમાં આવી છે. લૂંટ અને હત્યાની ઘટનાથી નાની દમણના સોમનાથ ડાભેલ સહિતના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
આજે સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચેડાલીમ હવાલદાર નામનો 40 વર્ષીય વ્યક્તિ નશાની હાલતમાં તેના ઘરમાં ઘુસી ગયો હતો અને તેના ઘરેણાં લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ મહિલાનું ગળું દબાવીને તેની સોનાની બંગડીઓ અને બુટ્ટી લૂંટી લીધી હતી અને ડ્રોઅરમાં રાખેલી રોકડ લઈને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, એક પરિચિત ઘરે આવ્યો અને મહિલાને જમીન પર બેભાન પડેલી જોઈને રોક્કળ કરવા લાગ્યો. જેનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ભાગતા આરોપીને પકડી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ કચીગામ પોલીસ અને દમણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યારે આરોપીને પણ નશાની હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે આરોપી ડાલીમ હવાલદાર વિરુદ્ધ હત્યા અને લૂંટના આરોપસર ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આગળની વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.