(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: ગુજરાત પ્રેસ અકદામી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ-ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનારનું આયોજન વલસાડના તિથલ રોડ પર સ્થિત ઈચ્છાબા અનાવિલ સમાજની વાડીમાં તા.16 નવેમ્બરના રોજ સવારે 9 કલાકે કરવામાં આવ્યું છે.
દર વર્ષે આજની તારીખે નેશનલ પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ લોકોને પ્રેસના મહત્વ અંગે જાણકારી આપવાનો છે. આજે દેશમાં પત્રકારત્વનું ક્ષેત્ર વ્યાપક બન્યું છે. પત્રકાર જનજન સુધી માહિતી પહોચાડવાનુંમહત્વનું મીડિયમ ગણાય છે. આજના દિવસે પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ લોકોનું ધ્યાન દોરવામાં આવે છે. તા.16 નવેમ્બર 1966 ના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના થતા તેની યાદમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2024ની થીમ ‘‘ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ” રાખવામાં આવી છે.
નેશનલ પ્રેસ-ડેની ઉજવણી નિમિત્તે યોજાનાર આ પ્રેસ સેમિનારમાં જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવે મુખ્ય અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા અને સંયુક્ત માહિતી નિયામકશ્રી અમિત ગઢવી ઉપસ્થિત રહેશે. વક્તા તરીકે નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામકશ્રી સેસિલ ક્રિસ્ટી અને ગુજરાત ગાર્ડિયન દૈનિકના તંત્રીશ્રી મનોજ મિષાી ઉપસ્થિત રહેશે.
