રસ્તા, ચેકડેમ, કોઝવે, આંગણવાડી, મલ્ટીપર્પઝ સેન્ટર અને આવાસ સહિત કુલ
રૂા. 52.76 કરોડના કુલ 916 કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના જમુઈથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન-પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ સાધ્યો હતો. આ સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ’ અભિયાનનો શુભારંભ પણ કરાવ્યો હતો. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્યકક્ષાના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રીના હસ્તે આદિવાસી વિસ્તારમાં રસ્તા, ચેકડેમ, કોઝવે, આંગણવાડી, મલ્ટીપર્પઝ સેન્ટર અને આવાસ સહિત રૂા. 52.76 કરોડના 916 કામોનું ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રીએ મહાનાયક બિરસા મુંડાનીજન્મજયંતિની શુભકામનાઓ આપતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રનું સુકાન સાંભળ્યા બાદ દેશનો સર્વાંગી વિકાસ કર્યો છે. આત્મિયતા અને પારિવારિક ભાવનાથી સમગ્ર દેશ ચાલી રહ્યો હોવાની અનુભૂતિ આજે જન જનને થઈ રહી છે. કેન્સર, હૃદય રોગ કે કિડની સહિતના જીવલેણ રોગથી ઘરના મોભીનો દીવો ન બુઝાય તે માટે વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડ યોજના લાગુ કરી છે, ગુજરાતમાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રૂા.10 લાખની સહાય મળે છે. એક એક પરિવાર માટે સરકાર સંવેદનશીલ છે. પહેલાના સમયમાં માત્ર ગરીબી નાબૂદ કરવાની વાતો થતી હતી પરંતુ વડાપ્રધાનશ્રીએ નાડ પારખી. ગરીબ પરિવારે કયારેય કલ્પના ન કરી હતી કે, અમારું પાકું મકાન બનશે પરંતુ મોદીજીએ આવાસ અને ટોયલેટ સહિતના સુવિધાસભર આવાસ બનાવી આપ્યા. મોદીજીના એક વિચારથી ગરીબોના જીવન પુલકિત થયા છે.
જનધન યોજનાનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, બેંકમાં ખાતા ખોલાવી આપ્યા બાદ આજે દરેક યોજનાની સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થતા વચેટિયા નાબૂદ થયા છે. દેશના 12 કરોડ ખેડૂત ખાતેદારોના બેંક ખાતામાં રૂા. 6000નો હપ્તો જમા થાય છે. દેશની પ્રજાએ કયારેય આવું સ્વચ્છ અનેસુઘડ શાસન જોયું ન હતું. આ જ ગૌરવ છે, આ જ સન્માન છે.
મંત્રીશ્રીએ આદિવાસી સમાજના લાભાર્થીઓને અનુરોધ કરતા કહ્યું કે, જે પણ વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ, આવાસ યોજનાથી વંચિત હોય તો ફોર્મ ભરી સરકારની અનેક યોજનાનો લાભ લઈ દેશની વિકાસયાત્રામાં જોડાઈ શકે છે. કોઈપણ નાગરિક વંચિત ન રહે તે માટે સરકાર જાગૃત છે. કોરોના કાળમાં નિઃશુલ્ક અનાજ આપી સરકારે સંવેદનશીલ અભિગમનું ઉદાહરણ પુરૂં પાડયું છે.
કલા અને સંસ્કળતિનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, દરેક સમાજ, દરેક સમુદાયની ઓળખ તે સમાજની કલા અને સંસ્કળતિથી થાય છે. આજે અહીં આદિવાસી નૃત્ય જોઈને આનંદ થયો છે, આપણી કલા હંમેશા જીવંત રહેવી જોઈએ. દરેક ભારતીય ગૌરવ લઈ શકે તેવી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અમલમાં મુકી હોવાનું મંત્રીશ્રીએ જણાવી વધુમાં કહ્યું કે, ખેલમહાકુંભની પહેલ મોદીજીએ કરાવી હતી, જો ખેલમહાકુંભ ન હોત તો આજે સરિતા ગાયકવાડનું ટેલેન્ટ વિશ્વએ જોયું ન હોત. દેશને ગોલ્ડ મેડલ મળ્યો ન હોત. પારદર્શક વહિવટ સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી જનહિતના વિકાસ માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે, ગરીબોના ઉત્થાન માટે બાળકના જન્મથી લઈને શિક્ષણ સહિતની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને ‘‘રાષ્ટ્ર પહેલા, પછી હું” નો વિચાર કરવાનો મંત્ર આપ્યો હતો. પ્રાકળતિક ખેતીનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ કહ્યું કે, પ્રાકળતિક ખેતીથી થતી ખેત પેદાશોના શ્રેષ્ઠ દામ ખેડૂતોને મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા ઓક્શન પધ્ધતિ પણ અમલમાં મુકવામાં આવનાર છે. મંત્રીશ્રીએ મોદીજીના વર્ષ 2047ના વિકસિત ભારતના સંકલ્પને સિધ્ધ કરવા માટે સૌને આહ્વાન કર્યું હતું.
ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે આગામી પાંચ વર્ષમાં સરકાર આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ કામો પૂર્ણ કરશે એવું જણાવ્યું હતું. કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે 260 જેટલી યોજના અમલમાં હોવાનું જણાવ્યું હતું.
આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આદિજાતિની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. બિહારના જમુઈથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ ઉત્કર્ષ સાધનાર લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા.
આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખમનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મીનાક્ષીબેન ગાંગોડા, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પિયુષભાઈ મહાલા, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, નાયબ વન સરંક્ષક (ઉત્તર) નિશા રાજ, નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્હાં, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર એ.કે.કલસરીયા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા અને સંગઠનના અગ્રણી ગણેશ બિરારી સહિત અધિકારીઓ-કર્મચારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.