સીઆરપીએફ ટીમની ઉપસ્થિતિમાં હેમંતભાઈ ‘તુમ અમર રહો, ભારત માતા કી જય’ના નારાની ગુંજઃ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.15: જમ્મુ-કાશ્મીરના શ્રી નગરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા તાલુકાના ખુડવેલ ગામનાં હેમંતભાઈ પટેલ (ઉ.વ-41) રજા પુરી કરીને 14મી ના રોજ ફરજ પર હાજર થવા માટે જવાના હતા. તે પૂર્વે આગલા દિવસે તેઓ બીલીમોરા રેલવે સ્ટેશને ટિકિટ કન્ફર્મ કરવા માટે ગયા હતા. જ્યાંથી આવ્યા બાદ રાત્રે તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. અને હદયરોગનો હુમલો આવતા તેમનું અકાળે નિધન થયું હતું.
આ દરમ્યાનગાંધીનગરથી સીઆરપીએફની ટીમ આવ્યા બાદ તેમની ઉપસ્થિતિમાં મધરાત્રે ખુડવેલથી અંતિમયાત્રા નીકળતા હજ્જારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ફડવેલ સુધીના અંતિમયાત્રાના માર્ગ પર ઠેર ઠેર લોકો રાત્રી દરમ્યાન ઉભા રહી સ્વ.હેમંતભાઇના અંતિમ દર્શન કરી શ્રધ્ધાજંલી આપી હતી. સીઆરપીએફ જવાન હેમંતભાઇના અકાળે નિધનથી સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ જવા સાથે મધરાત્રે હજ્જારો લોકોએ અશ્રુભીની આંખે તેમને વિદાય આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બીલીમોરા રેલવે સ્ટેશન પર ટિકિટના કન્ફર્મ કરાવા ગયેલા ખુડવેલના સીઆરપીએફ જવાન સ્વ.હેમંતભાઇ સાથે ગેરવર્તણુંક કરી અપમાનિત કરી એક સૈનિકનું માન સન્માન ન જાળવનાર કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ પ્રબળ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે. બીલીમોરા રેલવે સ્ટેશન પર ગરવર્તણુક કરાતા સ્વ.હેમંતભાઇને આઘાત લાગી જતા તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં ચાલી રહી છે. ધારાસભ્ય નરેશભાઈ અને સાંસદ ધવલભાઈ પટેલ આ કરુણ બનાવના પ્રથમ દિવસેથી જ પરિવાર સાથે રહી સીઆરપીએફની ટીમ સમયસર આવે તે સહિતના કામો માટે સતતનિગરાણી રાખી જરૂર પડ્યે અધિકારીઓને સૂચના આપતા રહ્યા હતા. ત્યારે આ બનાવ માટેના જવાબદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય અને પરિવારને ન્યાય મળે તે માટે અંગત રસ દાખવે તેવી લોકોમાં લાગણી પ્રવર્તી રહી છે.