ચણોદ કોલોનીમાં રહેતા પરિવારના પતિ-પત્ની અને પુત્રીના મોતથી
પરિવારમાં શોકની કાલીમા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે ગઈકાલે વહેલી સવારે બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે દોડતી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતા વાપી ખાતે રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપી ચણોદ કોલોની ખાતે રહેતા સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા (ઉ.વ.37), તેમના પત્ની ઈનાબેન ચોટલીયા (ઉ.વ.36), પુત્રી નિષ્ઠા ચોટલીયા (ઉ.વ.4) વહેલી સવારે રાજકોટથી એક્ટિવા ઉપર તેમના વતન ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામે ગયા જતા હતા ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલના જાયવા ગામ નજીક બેફામ આવતી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારી દેતા મોપેડ સવાર પરિવાર નંદવાઈ ગયો હતો. જેમાં સંજયભાઈ ચોટલીયા, ઈનાબેન ચોટલીયા અને પુત્રી નિષ્ઠાના ઘટના સ્થળે જમોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે 7 કલાકે તમામ મૃતદેહોને વાપી ખાતે લાવવામાં આવ્યા હતા. આજે સવારે 9.30 વાગ્યે મૃતકોની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં પરિવારના સભ્યો, સંબંધીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ મોતથી પરિવારમાં ભારે શોકની કાલીમા ફેલાઈ જવા પામી હતી.