શૈલેષ ગાવિત પ્રદેશના અન્ય નવયુવાનોને પણ સેનામાં ભરતી થવા અને માઁ ભારતીની તથા દેશના લોકોની સેવા કરવા પ્રેરણારૂપ બનશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના કૌંચા ગામના નવયુવાન શ્રી શૈલેષ રમેશ ગાવિતની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.)માં પસંદગી થતાં તમામ ગ્રામજનો દ્વારા તેમનું ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું. બી.એસ.એફ.એ ભારતનું મુખ્ય સશષા પોલીસ દળ છે અને વિશ્વનું સૌથી મોટું સીમા સુરક્ષા દળ છે. જેનું ગઠન 1લી ડિસેમ્બર, 1965માં થયું હતું. જે ભારત સરકારના ગૃહ મંત્રાલયના આધિન કાર્યરત છે એવા બી.એસ.એફ.માં દાનહના અંતરિયાળ વિસ્તારના કૌંચા ગામના રહેવાસી શ્રી શૈલેષ રમેશ ગાવિતની પસંદગી થતા સમગ્ર કૌંચા ગામમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. શ્રી શૈલેષ રમેશ ગાવિતની પસંદગી થતાં તેઓ દાનહની કૌંચા ગ્રામ પંચાયતમાંથી પ્રથમ નવયુવાન બી.એસ.એફ.માં ભરતી થયા છે અને માઁ ભારતીની સેવા માટે જતાં સમગ્ર સંઘપ્રદેશ માટે અને આદિવાસી સમાજ માટે ગૌરવની લાગણી પ્રદાન કરે છે. જેથી આખા ગામના લોકો એકત્રિત થઈ શ્રી શૈલેષ ગાવિત માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૌંચા તેમજ આજુબાજુના ગામના લોકોએ શ્રીશૈલેષની સાથે એમના પરિવારનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીમાંથી પ્રથમ વખત કોઈ યુવાન બી.એસ.એફ.માં માઁ ભારતીની સેવા માટે પસંદગી પામ્યા છે જેઓ હવે દેશની સરહદની સુરક્ષા કરશે અને આખા પ્રદેશનું નામ રોશન કરશે. આ અવસરે ગ્રામજનોને સંબોધિત કરતા શ્રી શૈલેષ ગાવિતે જણાવ્યું હતું કે, આ અવસર એમના માટે ખુબ જ સૌભાગ્યનો છે આખુ કૌંચા ગામ તેમના સન્માન માટે એકત્ર થયું છે અને એનાથી પણ મોટા સન્માનનો વિષય એ છે કે તેઓ ભારત માતા અને દેશના લોકોની સેવા માટે જઈ રહ્યા છે. આ પ્રસંગે શ્રી શૈલેષ ગાવિતે તમામ ગ્રામજનોને મળી પગે પડી આશીર્વાદ મેળવ્યા હતા અને સન્માનથી તે ગદગદિત થયા હતા. તેમણે પોતાના આદર્શ પંચાયતના પૂર્વ અને ગામના પહેલાં પી.એસ.આઈ. શ્રી મહેશ ગાવિતથી પ્રભાવિત હતા અને એમની પ્રેરણા લઈ તેઓ સેનામાં જવાની પોતાની તૈયારી કરી રહ્યા હતા અને એમની આ તૈયારીમાં પૂર્વ પી.એસ.આઈ. મહેશભાઈ ગાવિતે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. શ્રી શૈલેષ ગાવિત પ્રદેશના અન્ય નવયુવાનોને પણ સેનામાં ભરતી થવા પ્રેરિત કરશે.
શ્રી શૈલેષ ગાવિતે પ્રારંભિક શિક્ષણ કૌંચા પંચાયત ખાતેની શાળામાં લીધું છે અને ત્યારબાદ નવોદય વિદ્યાલયથી ધોરણ 12પાસકર્યું. તેમણે ઉચ્ચ અભ્યાસ એમ.એસ. યુનિવર્સિટીમાંથી એમ.કોમ.ની ડીગ્રી સાથે કર્યો છે. શ્રી શૈલેષ રમેશ ગાવિતની બી.એસ.એફ.માં પસંદગી થતાં તેમનું પ્રથમ પોસ્ટિંગ પヘમિ બંગાળમાં કરવામાં આવી છે.

