
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં અને સંઘપ્રદેશના રમત ગમત અને યુવા બાબતોના વિભાગના સચિવ ડૉ. અરૂણ ટી.ના માર્ગદર્શન હેઠળ તથા વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી સંઘપ્રદેશમાં પ્રથમ વખત 68મી રાષ્ટ્રીય શાળાકીય રમત ટેબલ ટેનિસ (અંડર 17 બોયઝ અને ગર્લ્સ) ટુર્નામેન્ટ 2024-25નું આયોજન દાનહની સરકારી પોલિટેકનિક કોલેજ, કરાડ ખાતેના કેમ્પસમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ 33 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશ/યુનિટોના 462 જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
ટુર્નામેન્ટના પ્રથમ ચરણમાં આજે રમાયેલ ફાઈનલમાં અંડર-17 બોયઝમાં તેલંગાણા ટીમે અને અંડર-17 ગર્લ્સમાં પશ્ચિમ બંગાળની ટીમે જીત મેળવતા ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ સાથે બોયઝની ટીમમાં મહારાષ્ટ્ર અને ગર્લ્સની ટીમમાં તમિલનાડુના ખેલાડીઓએ રજત પદક મેળવવા સફળતા મેળવી હતી. જ્યારે કાંસ્ય પદક બોયઝમાં તમિલનાડુની ટીમને અને ગર્લ્સમાં હરિયાણાની ટીમને પ્રાપ્ત થયો હતો. સંઘપ્રદેશના રમત ગમત અને યુવા બાબતોના વિભાગના નિર્દેશક અને સંયુક્ત સચિવ શ્રી અરૂણ ગુપ્તા, રમત-ગમત અને યુવા બાબતો વિભાગ તથા કોમનવેલ્થ ગેમ્સની કાંસ્ય પદવ વિજેતા ખેલાડી સુશ્રી મમતા પ્રભુના હસ્તે ટેબલ ટેનિસના પ્રથમ ચરણના વિજેતા તમામ સ્પર્ધક ખેલાડીઓને ગળામાં મેડલ પહેરાવી અને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા અને શાનદાર જીત માટે શુભકામનાઓ સાથે તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને દેશનું નામ રોશન કરે એવા હાર્દિક અભિનંદન આપ્યા હતા.
આ સ્પર્ધામાં ખેલાડીઓએ પોતાતી કુશળતા અને ધૈર્યતાનો પરિચય આપતાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓએ તેમના અદ્ભૂત શોટ્સ અને રણનીતિઓથી દર્શકોને રોમાંચિત અને મંત્રમુગ્ધ કરી દીધાં હતા. આ ટુર્નામેન્ટના તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપતાં વિભાગ તરફથી પ્રમાણપત્ર તથા સ્મૃતિ ચિહ્નનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

