(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : વનવાસી કલ્યાણ આશ્રમ, દાદરા નગર હવેલી દ્વારા દાદરાના સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડાયરેક્ટર અને સમાજસેવી શ્રી સૂર્યપ્રકાશ અગ્રવાલના મુખ્ય અતિથિ પદે ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં સેલવાસના કલા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો શુભારંભ રાણી દુર્ગાવતી બાલિકા છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ સ્વાગત નૃત્ય અને એકલવ્ય બાળકછાત્રાલયના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતની પ્રસ્તુતિથી કર્યો હતો. ત્યારબાદ શાળાના જનજાતીય શ્રેણીમાં ધોરણ 10 અને 12મા પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 21 શાળાના 87 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવસારી વિભાગના કાર્યવાહ શ્રી દેવેન્દ્ર ગાંવકરે ભગવાન બિરસા મુંડાના ચરિત્ર વિશેની વિસ્તૃત જાણકારી આપી. તેમણે સમાજમાં 150 વર્ષ પહેલાં અને આજની પરિસ્થિતિમાં જમીન આસમાનનો તફાવત હોવાનું કારણ દર એક વ્યક્તિને બિરસા મુંડા બનવા આહ્વાન કર્યુ હતું. શ્રી ગાંવકરે જણાવ્યું હતું કે, ત્યારે રાવણ એક હતો જેથી એક રામથી કામ ચાલી ગયું હતું, પરંતુ હાલમાં ‘રાવણો’ની સંખ્યા વધી ગઈ છે જેથી દરેક વ્યક્તિએ રામ બનવું જોઈએ. ભગવાન બિરસા મુંડાના ચરિત્રથી ઉદાહરણ આપતા હાલની પરિસ્થિતિમાં શું કરવું જરૂરી છે એ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી શ્રી ગાંવકરે આપી હતી. આ અવસરે દાનહ વનવાસી કલ્યાણ આશ્રમનું વર્ષ 2025ના કેલેન્ડરનું વિમોચન પણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડરમાં જનજાતીય પરંપરા અને દાનહના સ્વતંત્ર સંગ્રામ અંગે જાણકારી આપવામાં આવી છે. સાથેઆશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ અંગે પણ જાણકારી આપવામાં આવી છે. આ અવસરે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.