(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લામાં તા.25 નવેમ્બર (મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી દિવસ) થી તા.10 ડિસેમ્બર (માનવ અધિકાર દિવસ) એમ કુલ 16 દિવસ સુધી ‘‘મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી” કરવામાં આવશે. જે મુજબ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો સાથે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી કરવામાં આવશે. (1)ઘરેલું હિંસા સેમિનાર 2005, (2) મહિલા હેલ્પલાઇન 112, 181, ચાઇલ્ડ લાઇન 1098 પ્રચાર પ્રસાર કાર્યક્રમ, (3) બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ 2006 જાગૃતિ કાર્યક્રમ, (4) સાયબર સેફટી અંગે જાગૃતતા સેમિનાર, (5) પોકસો એક્ટ 2012 કાર્યક્રમ, (6) કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતિય સતામણી અધિનિયમ 2013 કાર્યક્રમ (7) બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ, (8) જાતિગત સંવેદનશીલતા અંગે જાગૃતતા કાર્યક્રમ, (9) ભારતીય ન્યાય સંહિતા 2023 અને ખાસ અધિકાર અંગે કાર્યક્રમની ઉજવણી થશે.
મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણીમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ, પોલીસ વિભાગ વલસાડ, ડિસ્ટ્રિક્ટ લિગલ ઓથોરીટી, બાળ સુરક્ષા એકમ વલસાડ, ‘‘સખી” વન સ્ટોપ સેન્ટર વલસાડના સ્ટાફ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વલસાડના સ્ટાફ, 181 મહિલા અભયમ હેલ્પલાઈનના સ્ટાફ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના સ્ટાફ, શાળા/ કોલેજના શિક્ષકગણ તેમજ શાળા/કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, મહિલા કલ્યાણ કેન્દ્રો, બિન સરકારી સંસ્થાઓ સહભાગી થશે એવુ અખબારી યાદીમાં જણાવાયુ છે.