થર્ડ ફેઝ સ્થિત અનુપમ કલર પ્રા.લી.માં ઘટના ઘટી :
કૌશલકુમાર યાદવનું મોત કંપનીમાં હંગામો મચ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: વાપીની કંપનીઓમાં ઉપરા ઉપરી આગ લાગવાના બનાવો બની રહ્યા છે. તેવો વધુ એક બનાવ સોમવારે સાંજના થર્ડ ફેઝમાં કાર્યરત એક કલર બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગી હતી. આગમાં વેલ્ડીંગ કામ કરી રહેલ કામદાર ઘટના સ્થળે બળીને ભડથું થઈ ગયો હતો. બનાવને લઈ કંપનીમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.
વાપી થર્ડ ફેઝમાં આવેલ અનુપમ કલર પ્રા.લી. નામની કંપનીમાં વેલ્ડીંગ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપાઈ હતી. કામગીરી કરવા માટે કૌશલ યાદવ નામનો કામદાર ટાંકીમાં ઉતરી વેલ્ડીંગકામગીરી કરતો હતો. સિન્ટેક્ષ ટાંકીમાં વેલ્ડીંગના તણખા ઉડતા આગ ભભુકી ઉઠી હતી. આગ લાગતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગને જાણ કરાતા ફાયરના જવાનોએ આગ બુઝાવી હતી. પરંતુ એકત્રીત કામદારો પૈકી કૌશલ યાદવ હાજર નહોતો ત્યારે તપાસ કરતા કૌશલ ટાંકીની અંદર આગમાં ભડથુ થઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃત્યુની જાણ થતા સગા સબંધી કંપનીમાં દોડી આવ્યા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો. જો કે ઘટનામાં કંપનીની બેદરકારી પણ છતી થઈ હતી. ફેક્ટરી ઈન્સ્પેક્ટર પોલીસ વગેરે વિભાગોએ વધુ તપાસ હાથ ધરી હતી.