(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડી નેશનલ હાઇવે નંબર 48 પર અંબિકા નર્સરી નજીક આજરોજ મળસ્કે અજાણ્યા રાહદારીને અજાણ્યો વાહન ચાલક કચડી નાખતા મોત નીપજ્યું છે.
આજરોજ બુધવારના મળસ્કે લગભગ ત્રણેક વાગ્યાના સુમારે પારડી નેશનલ હાઈવે નંબર 48 અંબિકા નર્સરી સામેથી પૂરપાટ ઝડપે જતા એકઅજાણ્યા વાહને 40 થી 45 વર્ષના અજાણ્યા ઈસમને અડફેટમાં લઈ કચડી નાખી અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા જ પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અજાણ્યો વાહન રાહદારીના માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ચઢી ગયું હોવાથી ઘટના સ્થળે રાહદારીનું મોત નીપજ્યું હતું. આ સાથે આ રાહદારીની ઓળખ મેળવવું પણ પોલીસ માટે મુશ્કેલ બન્યું છે. રાહદારીએ શરીરે ક્રીમ કલરની ટૂંકી બાઈ વાળી ટીશર્ટ અને લાંબી બાઈ વાળું કાળા કલરનું સ્વેટર પહેર્યું છે તેમજ સફેદ ભૂરા કલરનું પેન્ટ પહેર્યું છે. જે કપડાના આધારે તેના વાલી વારસની અને તેની ઓળખ માટે પારડી પોલીસે મથામણ હાથ ધરી છે.