(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી સી. આર. પાટીલજી, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીનીસુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભાજપ સંગઠન પર્વ 2024 ના ચૂંટણી અધિકારી તરીકે સુરત ભાજપના આગેવાન શ્રી રાજેશભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.
સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા શ્રી રાજેશભાઈ દેસાઈની વલસાડ જિલ્લા સંગઠન પર્વ 2024 ના ચૂંટણી અધિકારી તરીકે પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી. આર. પાટીલજી દ્વારા નિમણૂક કરવામાં આવી છે, શ્રી રાજેશભાઈ દેસાઈ ભાજપ સ્થાપના કાળ (1980) થી સક્રિય રાજકારણમાં રહી અનેકવિધ સંગઠનાત્મક, ચૂંટણીલક્ષી તેમજ વહીવટી જવાબદારી સફળતાપૂર્વક પરિણામલક્ષી વહન કરી ચુકયા છે અને આજે પણ તેઓશ્રી ડાંગ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી તરીકે તથા દક્ષિણ ગુજરાત પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર તરીકે પ્રશંસનીય કામગીરી નિભાવી રહ્યા છે.
ગુજરાતના શિક્ષણ જગતમાં પણ શ્રી રાજેશભાઈ દેસાઈનું આગવું યોગદાન રહ્યું છે તેઓ શ્રી ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ અમદાવાદના પ્રમુખ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સભ્ય, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય, તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના ચેરમેન તરીકે મહત્વની જવાબદારી નિભાવી લોકપ્રિયતા હાંસલ કરી હતી.
ગુજરાતની મહત્વની સંસ્થા જી.પી.એસ.સી. (ગુજરાત જાહેરસેવા આયોગ ગાંધીનગર) માં પણ પસંદ થયેલ શ્રી રાજેશભાઈ દેસાઈ અનાવીલ સમાજની વટવૃક્ષ સમી સંસ્થા શ્રી દયાળજી અનાવીલ કેળવણી મંડળ સુરતના ટ્રસ્ટી પ્રમુખ તરીકે કાર્યરત રહી સંસ્થા, સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.
વલસાડ જિલ્લા ભાજપ ‘‘સંગઠન પર્વ 2024” ના ચૂંટણી અધિકારી તરીકે શ્રી રાજેશભાઇ દેસાઈની નિમણૂક થતા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા જિલ્લા ભાજપ પરિવાર વતી એમને આવકાર સાથે નિયુક્તિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
