(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગના માર્ગદર્શનમાં ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગ જિલ્લા પંચાયતના સહયોગથી પ્રાથમિક ગુજરાતી શાળા મોરપાડામાં ઉચ્ચ પ્રાથમિક કક્ષાની વિદ્યાર્થીનીઓ માટે ‘માઁ-બેટી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા પ્રમુખ અતિથિ તરીકે સી.આર.સી. આંબોલી શ્રી નેમિશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
શાળામાં સમુદાય સહભાગિતા વધે અને વિદ્યાર્થીઓને ભણતર પ્રત્યે વાલીઓનો સહકાર મળે એના માટે આવા કાર્યક્રમો વિવિધ શાળાઓમાં કરવામાં આવે છે. બેટી અને માતાનો એક અનોખો સબંધ હોય પ્યાર, વાત્સલ્ય પર આધારિત આ માતા અને બેટીના સબંધને ઔપચારિક શિક્ષણમાં સહાયક રૂપે ઉપયોગ કરી વિદ્યાર્થીનીઓ શિક્ષણ પ્રત્યે સમાજને જાગૃત કરે તેવો સંદેશ આપવા માટે આ કાર્યક્રમ કારગર સાબિત થઈ રહ્યો છે.
આ કાર્યક્રમમાં બોટલ આર્ટ, બામ્બુ આર્ટ, આર્ટ એન્ડ ક્રાફટ, મહેંદી હરીફાઈ, કેશ ગુંફન, ગજરાની બનાવટ, તોરણ બનાવવું, સંગીત-ખુરશીની રમત અને વુમન એમ્પાવરમેન્ટ વિડીયો સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીનીઓ અને એમની માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આઅવસરે આચાર્ય શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, સી.એચ.ઓ. શ્રી એસ.જે.જીનટો સહિત શાળાની વિદ્યાર્થનીઓ અને માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.