October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર પારડી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ

વીજ લાઈન અને ટ્રાન્સફોર્મરમાં નવીનીકરણ થઈ રહ્યુ છેઃ મંત્રી કનુભાઈ દેસાઈ

માછીવાડના બ્રિજનું કામ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરાશે એવી ખાતરી અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.0૧: ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૨૪ કરોડ ૩૩ લાખના ખર્ચે તૈયાર કરાયેલા ૭.૫૦ મીટર પહોળા અને ૭૮૫ મીટર લંબાઈ ધરાવતા પારડી રેલવે ઓવરબ્રિજ (એલ.સી. નં. ૯૦)નું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદહસ્તે કોટલાવ ગામની હદમાં પારડી રેલવે સ્ટેશન પાસે પૂર્વ તરફ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજથી અંદાજે એક લાખની વસ્તીને સીધો ફાયદો થશે જેથી આસપાસના ગ્રામજનો અને વાહનચાલકોમાં ખુશીની લહેર પ્રસરી હતી.
ઉમરસાડી પારડી સ્ટેશન રોડના રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ સમારોહ પ્રસંગે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતની પ્રજાએ પ્રધાનમંત્રીશ્રી મોદીજીમાં અતૂટ વિશ્વાસ રાખ્યો છે. તેમણે વિકાસનો નવો અધ્યાય શીખવ્યો છે. સૌથી વધુ વિકાસ દક્ષિણ ગુજરાતમાં થયો છે. આ બ્રિજના લોકાર્પણ બાદ હવે માછીવાડ વિસ્તારના લોકોની માંગણી મુજબ વધુ એક બ્રિજ પણ બની રહ્યો છે જેનું કામ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરાશે એવી શક્યતા છે. વડાપ્રધાનશ્રી મોદીજી સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જ- વાયુ પરિવર્તનના કારણે નુકશાન થાય છે. જે દૂર કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. કોલસાના વપરાશને કારણે જેટલો પણ કાર્બન ડાયોકસાઈડ પેદા થાય છે તેને દૂર કરવાનો સુંદર અભિગમ મોદીજીએ સમગ્ર વિશ્વને આપ્યો છે જેમાં આપણુ ભારત અને ગુજરાત સૌથી આગળ છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, હાલમાં વીજ લાઈન અને ટ્રાન્સફોર્મરમાં નવીનીકરણ થઈ રહ્યુ છે. કાંઠા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ લાઈન નંખાઈ રહી છે. નવા મીટર નખાઈ રહ્યા છે. જેથી કોઈ પણ પ્રકારના ચેડા મીટર સાથે થઈ શકશે નહી. જેથી સૌને સહકાર આપવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્યની સરકાર સમગ્ર ભારતમાં અને ખાસ કરીને વલસાડ લોકસભા મત વિસ્તારના લોકોનું જીવન ધોરણ કેવી રીતે બહેતર બને અને યોજનાના લાભો મળે તે માટે સરકાર કાર્યરત છે. વલસાડ જિલ્લામાં રેલવે ક્રોસિંગ પર કલાકો સુધી પહેલા ટ્રાફિક જામ થતુ હતું. જેથી રેલવે ક્રોસિંગ ફ્રી જિલ્લાની કલ્પના કરતા હતા જે માટે ૨૨ ઓવરબ્રિજ બનાવ્યા છે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં પણ બનાવાશે.
આ પ્રસંગે માજી સાંસદ ડો.કે.સી.પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, પ્રાંત અધિકારીશ્રી નિરવ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી શિલ્પેશ દેસાઈ, પારડી તાલુકા સંગઠનના પ્રમુખ મહેશ દેસાઈ, વાપી વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ, વાપી નોટીફાઈડ સંગઠન પ્રમુખ હેમંત પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન અને બ્રિજની રૂપરેખા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર જતિન પટેલે આપી હતી. જ્યારે આભારવિધિ માર્ગ અને મકાનના પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જિગર પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ વનરાજસિંહ પરમારે કર્યુ હતું.

પારડી રેલવે ઓવરબ્રિજથી ક્યા ક્યા ગામોને ફાયદો થશે?

પારડી રેલવે ઓવરબ્રિજના લોકાર્પણથી ઉમરસાડી, માછીવાડ, કોસ્ટલ હાઈવે, દેસાઈવાડ તેમજ પૂર્વ અને પશ્ચિમ તરફ આવેલા ગામના લોકોને નોકરી ધંધાર્થે રેલવે સ્ટેશન તથા નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર આવવા માટે વાહન વ્યવહારની અવર જવરમાં સરળતા રહેશે. જેથી ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે. ને.હા.નં. ૪૮થી કોસ્ટલ હાઈવે અને માછીવાડ જેટી સુધીનું જોડાણ થવાથી લોકોનો સમય તથા ઈંધણનો પણ બચાવ થશે.

Related posts

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

વાપી ટાંકી ફળીયા વિસ્‍તારમાં આવેલ ખમણ બનાવતી દુકાનમાં ભિષણ આગ લાગતા લાખોનો સામાન ખાખ

vartmanpravah

વલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહી

vartmanpravah

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

ભેંસરોડ ખાતે કોળી પટેલ સમાજના ભવન ખાતે રવિવારે દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah

Leave a Comment