(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દેશના 75મા ‘બંધારણ દિવસ’ નિમિતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી-સેલવાસ કેમ્પસના વિદ્યાર્થીઓએ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હિન્દી માધ્યમ એમ બે સરકારી શાળાઓમાં આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ સત્રોનું ફોકસ એસ.સી./એસ.ટી.અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989 વિશે જાગૃતિ ફેલાવવા પર હતું
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ(GNLU) કેમ્પસના વિદ્યાર્થીઓએ ‘બંધારણ દિવસ’ના મહત્ત્વ અને બંધારણીય અધિકારો અને મૂળભૂત ફરજો વિશે જાગૃતિ લાવવામાં તેની ભૂમિકા સમજાવી હતી. ત્યારબાદ તેઓએ એસ.સી./એસ.ટી. અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989 પર વિગતવાર સત્ર હાથ ધર્યું હતું, જેમાં પીડિતોના અધિકારો, અદાલતોની જવાબદારીઓ અને ખાસ કરીને એસ.સી./એસ.ટી. સમુદાયની મહિલાઓ માટેના રક્ષણ સહિતની મુખ્ય જોગવાઈઓની ચર્ચા કરી હતી. દરમિયાન આ કાયદા હેઠળના કેસોના સંચાલનમાં વિશેષ અદાલતોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેઓએ શાળાના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ સમજણ આપવા આ વિષયમાં સીમાચિહ્નરૂપ કોર્ટ ચુકાદાઓની પણ ચર્ચા કરી હતી. GNLUના વિદ્યાર્થીઓએ ઉપસ્થિતોને કેમ્પસ ખાતે મફત કાનૂની સહાય ક્લિનિકનો પરિચય કરાવ્યો, જે જરૂરિયાતમંદોને મફત કાનૂની સહાય આપે છે.
આઉટરીચ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય યુવા દિમાગને બંધારણીય મૂલ્યોના મહત્ત્વની સમજણ અને તેમના અધિકારો અને કાયદાકીય સંરક્ષણો વિશે જ્ઞાન દ્વારા તેમને સશક્ત કરવાનો હતો.
શાળાના કાર્યક્રમો સાથે GNLU સેલવાસ કેમ્પસના વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે પણ જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. જેમાં નાગરિકોમાં બંધારણની પ્રસ્તાવના દર્શાવતા પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા હતા અને કલેક્ટરશ્રી અને મદદનીશ કલેક્ટરશ્રીને બંધારણ પ્રસ્તાવનાની ફ્રેમ કરેલી નકલોની ભેટ આપવામાં આવી હતી.