(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંગઠિત ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટસ ઓફિસ (ડીએસઓ) દ્વારા જિલ્લા કક્ષાએ ત્રિદિવસીય સ્પોર્ટસ ફેસ્ટ-રણભૂમિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ અંડર-19 વોલીબોલ સ્પર્ધામાં ભાગ લઈ રજતપદક પ્રાપ્ત કર્યું છે. જ્યારે બીજા દિવસે અંડર-14 બહેનોની જૂડો પ્રતિયોગિતામાં ધોરણ છ ની વિદ્યાર્થીની શગુન સીંગે રજતપદક પ્રાપ્ત કર્યું છે. અંડર-17 ભાઈઓનીતાઈકવોન્ડો સ્પર્ધામાં ધોરણ નવનો વિદ્યાર્થી આર્યન ગવાઈએ સુવર્ણપદક પ્રાપ્ત કર્યો છે. અંડર-19 બહેનોની તાઈકવોન્ડે સ્પર્ધામાં ધોરણ દસની વિદ્યાર્થીની દિપા ચૌરસિયાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. અંડર-19 બહેનોની ચેસ સ્પર્ધામાં ધોરણ બારની વિદ્યાર્થીની ખુશ્બુએ કાંસ્યપદક મેળવી શાળાના ગૌરવ અપાવ્યું છે. જ્યારે પ્રતિયોગિતાના અંતિમ દિને ત્રીજા દિવસે અંડર-14 બહેનો માટે 200 મીટર દોડમાં ધોરમ આઠની વિદ્યાર્થીની સાનિયા કુલરિયાએ રજતપદક પ્રાપ્ત કર્યું છે અને ધોરણ આઠની વિદ્યાર્થીની શુભાશ્રી મહાપાત્રાએ 100 મીટર દોડમાં કાંસ્યપદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. આમ ત્રણે દિવસમાં બાળકોએ વિવિધ શ્રેણીમાં પદકો મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક વ્યાયામ શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.